વેણુ રણમાં ગેરકાયદેસર મીઠા ઉત્પાદનનો આક્ષેપ… જવાબદારો સામે ઉઠ્યા સવાલો..

કચ્છના નાના રણ વેણુ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મીઠાનું ઉત્પાદન થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. લોકો મા ચર્ચાતી ચર્ચા અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રણ વિસ્તારમાં દિવસ-રાત ભારે મશીનરીનો ઉપયોગ કરીને મોટા પાયે મીઠાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે જવાબદાર તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
અગાઉ સંબંધિત અધિકારીઓ દ્વારા વેણુ રણ વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ હોવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં જો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ હોય તો મીઠા માફિયાઓને રણ વિસ્તારમાં પ્રવેશ કોણ અને કેવી રીતે અપાવી રહ્યું છે તે અંગે ચર્ચાઓ તેજ બની છે…


પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અભ્યારણ્ય વિસ્તારમાં વધી રહેલી આ ગેરકાયદે સરની પ્રવૃત્તિઓના કારણે ગુડખરની સંખ્યા અને તેના કુદરતી આવાસ પર અસર પડી રહી છે. આ મુદ્દે વન વિભાગ અને અન્ય સંબંધિત તંત્ર દ્વારા કડક દેખરેખ રાખવાની લોકો મા માંગ ઉઠી છે.

સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે એક તરફ સરકારી કચેરીઓમાં કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા નથી. જોકે આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી.
હવે જોવાનું રહ્યું કે જવાબદાર અધિકારીઓ આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરશે કે પછી માત્ર નોટિસો સુધી જ કાર્યવાહી મર્યાદિત રહેશે. સ્થાનિક લોકો દ્વારા પારદર્શક,તટસ્થ તપાસ કરી અને દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે….
