નવરાત્રિથી દેવદિવાળી સુધી આકર્ષણ જમાવતું ઘેરૈયા નૃત્ય

નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ‘નવરાત્રિથી દેવદિવાળી’ સુધી ઘેરૈયા નૃત્ય લોકોમાં આકર્ષણ જમાવે છે.
દ.ગુજરાતના હળપતિ વગેરે આદિવાસી સમાજ દ્વારા કરાતું આ પરંપરાગત લોકનૃત્ય છે.
અર્ધનારી સ્વરૂપને ઘેરૈયાઓ ફેંટો બાંધે, કાનમાં કુંડળ પહેરી ‘હમરેક મોરચા’ની ધૂન લગાવે ત્યાં તો જોનારા ઝૂમી ઉઠે છે.
આ નૃત્ય 250 વર્ષ જૂનું હોવાનું મનાય છે. ગામડાઓ ઉપરાંત નવસારી જેવા શહેરી વિસ્તારોમાં પણ ઘેરૈયા નૃત્ય આકર્ષણ જમાવી રહ્યાં છે.
આમ તો ઘેરૈયા નૃત્ય કરતા મંડળો અનેક છે.
જેમાં ઘેરૈયા નૃત્યને જિલલામાં ખાસ પ્રોત્સાહન આપનાર વિનોદ દેસાઈ (સીએ) જણાવે છે કે 40 મંડળોને તો હું જાણુ છું. ઘેરૈયામાં 24થી 32 ઘેરીયા, 1 કળિયો, 1 જોકર બગલીવાળો અને 3-4 વાજીંત્રવાળા હોય છે.
ઘેરૈયા સ્પર્ધા થકી અપાતું પ્રોત્સાહન
ઘેરૈયા નૃત્ય જીવંત રહે, લોકનૃત્યને પ્રોત્સાહન મળે તે માટેનો પ્રયાસ નવસારી જિલ્લામાં કરાઈ રહ્યો છે.
આ માટે ઘેરૈયા નૃત્યની સ્પર્ધા રાખવામાં આવી રહી છે. 1991માં સ્પર્ધા ગણેશ સિસોદ્રામાં શરૂઆત થયા બાદ 1993થી બીલીમોરામાં સ્પર્ધાનું આયોજન કરાઈ રહ્યું છે.
સ્પર્ધામાં સારા ઈનામો પણ આપવામાં આવે છે.
31 વર્ષથી યોજાઇ રહેલ આ સ્પર્ધા પણ ઘૈરાય નૃત્યને જીવંત રાખવામાં મહત્વનો ભાગ ભજવી રહી છે.
ઘેરૈયા ઉપર પુસ્તક લખાયું
ઘેરૈયા નૃત્ય સાથે ખુબ જ નજીકથી સંકળાયેલ અને આ નૃત્ય પ્રત્યે લાગણી ધરાવતા વિનોદ દેસાઇ (સી.એ.)એ તો નૃત્ય ઉપર પુસ્તક પણ લખ્યું છે.
આ પુસ્તકમાં ગીતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.