શહેરમાં લાખોના ખર્ચે 18 મે બાદ ક્રમશઃ મુકાયેલ 5 પાણીના એટીએમમાં એક જ જગ્યાએ સારું પરિણામ છે, 4ની હાલત ખરાબ
નવસારીમાં 4 મહિના અગાઉ ક્રમશઃ 5 જગ્યાએ મુકવામાં આવેલ પાણીના એ ટી એમમાં થયેલ જાહેરાત મુજબ સિક્કો નાખતા કાયમ પાણી મળતું જ નથી.દેશમાં કેટલીય જગ્યાએ પાણીના એ ટી એમ મશીન મુકવામાં આવ્યા છે,
જે હવે અહીંના નવસારી શહેરમાં પણ મુકવામાં આવ્યા હતા.
સૌપ્રથમ ચાંદની ચોક વિસ્તારમાં બાલ ક્રીડાગન નજીક 18 મી મેના રોજ પ્રથમ મુકાયા બાદ અન્ય 4 જગ્યાએ પણ પાલિકાએ મુક્યા હતા.
જેમાં જલાલપોર લીમડા ચોક,વિજલપોર વિઠ્ઠલ મંદિર નજીક, દશેરા ટેકરી અને કબીલપોર વિસ્તારનો સમાવેશ થાય છે.
આ 5 મશીન માટે પાલિકાએ અંદાજે 20 લાખ રૂપિયાનો ખર્ચ કર્યાનું જાણવા મળ્યું છે.
આમ તો પાણીના એ ટી એમ નો અર્થ ‘એની ટાઈમ વોટર ‘થાય છે
પણ શહેરમાં તે મુજબ સેવા મળી નથી. મળતી માહિતી મુજબ કબીલપોર સ્થિત એ ટી એમ તો હાલ બંધ જ છે
લોકોને તેની સેવા મળતી જ નથી. અન્ય 4 એ ટી.એમમાં 3 માં કાયમ પાણી મળતું નથી.
થોડો સમય જ મળે છે અને તે ક્યારે મળે તે પણ લોકોને જાણ નથી અને પાલિકાએ તેની જાહેરાત પણ કરી નથી.
ચાંદની ચોક વિસ્તારના એ ટી એમ ની સેવા અન્ય કરતા સારી હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં થોડા દિવસ અગાઉ શહેરમાં પાણીના આરઓ પ્લાન્ટ સંચાલકોએ બંધ કરી દીધા હતા.
શહેરમાં મોટી સંખ્યામાં લોકો આરઓ પ્લાન્ટના કેરબા લેતા હોય ભારે તકલીફ ઉભી થઇ હતી.
આ સ્થિતિમાં નગરપાલિકાએ મૂકેલ ચાંદની ચોક નજીકનું અને વિઠ્ઠલ મંદિર નજીકના એટીએમનો વધુ ઉપયોગ થયો હતો. લોકોએ સિક્કો નાંખી મિનરલ પાણી મેળવ્યું હતું.
10 મશીન મૂકવાની યોજના, બીજા મૂકાશે કે નહીં ? બજેટમાં સવા કરોડ ફળવાયા
નવસારી-વિજલપોર પાલિકાએ શહેરમાં ક્રમશ: પાંચ જગ્યાએ તો પાણીના એટીએમ તો મૂક્યાં
પરંતુ શહેરમાં અન્ય જગ્યાએ પણ મૂકવાની યોજના હતી (છે ?). 10 જગ્યાએ મૂકવાની વાત છે.
આ માટે પાલિકાએ વર્ષ 2022-23મા નગરપાલિકાના બજેટમાં સવા કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે.
જોકે જે રીતે પ્રથમ 4 મહિના પાણીના 5 એટીએમનો પર્ફોમન્સ રહ્યો છે તે જોતા પાલિકા વધુ એટીએમ મુકશે કે નહીં તે જોવું રહ્યું.
અમારે ત્યાં થોડા દિવસ જ સારૂ ચાલ્યું
અમારા દશેરા ટેકરી વિસ્તારમાં પણ નગરપાલિકાએ પાણીનું એટીએમ મશીન મૂક્યું છે.
જે મશીન થોડા દિવસ જ સરખુ એટીએમ ચાલ્યું હતું. ત્યારબાદ મુશ્કેલી ઉભી જ છે.
હાલના દિવસોમાં તો ભારે મુશ્કેલી છે. બીજુ કે એટીએમમાં ઠંડુ પાણી પણ આવતુ નથી.
જે રીતે જાહેરાત થઇ હતી તે મુજબ એટીએમનો લાભ મળ્યો નથી.
> પ્રમોદ રાઠોડ, સ્થાનિક અગ્રણી,પૂર્વ કાઉન્સિલર, દશેરા ટેકરી