ખેલ મહાકુંભના ખેલાડી અને શાળાનું સન્માન
ગુજરાત રાજ્યમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરાયું છે
ત્યારે દાહોદ જિલ્લામાં નેશનલ ગેમ્સ બાબતે જન જાગૃતિ આવે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દેવગઢ બારીયા ખાતે આવેલા સ્વ. શ્રી જયદીપસિંહજી રમત ગમત સંકુલ ખાતે રાજ્યમંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્યમંત્રીએ ઉપસ્થિત નાગરિકો-ખેલાડીઓને નેશનલ ગેમ્સ વિશે વિગતે માહિતી આપી હતી.
નેશનલ ગેમ્સના આયોજન સંદર્ભે રાજ્ય સરકારની સજ્જતા વિશે જણાવ્યું હતું.
દાહોદ જિલ્લાનાં તેમજ દેવગઢ બારીયાના ખેલાડીઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવે તેવી સિદ્ધિઓ મેળવી રહ્યાં છે.
અહીંના દેવગઢ બારીયા ખાતેના સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં તમામ આધુનિક સુવિધાઓ સાથે ખેલાડીઓ તૈયાર થઇ રહ્યાં છે.
જે ભવિષ્યમાં જિલ્લાને અને રાજ્યને ગૌરવ અપાવશે તેમ રાજ્ય મંત્રીએ ઉમેર્યું હતું.
પૂર્વમંત્રી અને ધારાસભ્ય બચુભાઇ ખાબડે સરકારે નેશનલ ગેમ્સનો સફળતાપૂર્વક આયોજન કરવાનો પડકાર ઝીલ્યો છે
ત્યારે આપણે સૌ પણ 36માં નેશનલ ગેમ્સની ઐતિહાસિક ઘટનાને સામુહિક ભાગીદારી દ્વારા વધુ ઐતિહાસિક બનાવીએ તેમ તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે 36માં નેશનલ ગેમ્સ તથા 11માં ખેલ મહાકુંભના મહત્વના અંશોની ફિલ્મ દર્શાવાઇ હતી.
રાજ્યકક્ષાએ ખેલ મહાકુંભમાં ઉત્તમ પ્રદર્શન કરનારા ખેલાડીઓ, ખેલ મહાકુંભની જિલ્લા તેમજ તાલુકાની પ્રથમ 3 શાળાઓને ઇનામ વિતરણ કરાયું હતું.
કાર્યક્રમમાં 36માં નેશનલ ગેમ્સના એન્થમની પ્રસ્તુતિ કરાઇ હતી.
તેમજ ફિટ ઇન્ડિયા માટેની શપથ ઉપસ્થિતોએ લીધી હતી.
36મી નેશનલ ગેમ્સ અવેરનેશ કેમ્પેઇન અંતર્ગત અહીં વિવિધ રમતોનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, ડીડીઓ નેહાકુમારી, એસપી બલરામ મીણા, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા,
પાલિકા પ્રમુખ ચાર્મીબેન સોની, જિલ્લા રમત અધિકારી, દાહોદ, જિલ્લા રમત વિકાસ અધિકારી, દેવગઢ બારીઆ સહિતના અધિકારીઓ, ખેલાડીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.