ગાંધીનગરમાં હુમલા કેસમાં ધાનજના 4 ભાઇને 5 વર્ષની કેદની સજા

કલોલ તાલુકાના ધાનજ ખાતે યુવાન પર જીવલેણ હુમલો કરનાર ચાર સગા ભાઈઓને કોર્ટે પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં યુવાન પર પાઇપ અને લાકડીથી જીવલેણ હુમલો કરાયો હતો.
જે કેસ ચાલતા કલોલની એડીશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે ધાનજમાં રહેતા ચાર સગા ભાઇઓને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડનો હુકમ કર્યો હતો.
ઘટનાની વિગતો પ્રમાણે કલોલ તાલુકાના ધાનજ રહેતાં કરશનભાઇ પ્રતાપભાઇ રબારીને સમાજના કેટલાક લોકો સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો.
આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા આપી
જેમાં રાજુભાઇ જયરામભાઇ રબારી, દિનેશ જયરામભાઇ રબારી, ઇશ્વરભાઇ જયરામભાઇ રબારી અને કરમણભાઇ જયરામભાઇ રબારીએ લોખંડની પાઇપ અને લાકડીઓ ફટકારી હુમલો કર્યો હતો.
તેમાં કરશનભાઇને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઇ હતી. બનાવ અંગે કલોલ તાલુકા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.
દરમિયાન આ કેસ કલોલની એડીશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલ્યો હતો.
ત્યારે ફરિયાદી તરફે એડવોકેટ ભાનુભાઇ જે. પટેલે પુરાવા સાથે ધારદાર દલીલો કરી હતી.
કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓને તપાસ્યા બાદ ચારેય આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા અને પાંચ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.