દાહોદમાં રંગે ચંગે નવરાત્રિની ઉજવણી, મા શકિત ગરબામાં ગૃપ ગરબા હરિફાઈનું આયોજન

દાહોદ જિલ્લામાં રંગે-ચંગે નવરાત્રિનો પ્રારંભ થયો છે.
કોરોનાના બે વર્ષ પછી ખેલૈયાઓને ગરબાની મઝા માણવા મળી છે.
ત્યારે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દાહોદના કેશવ માધવ રંગમંચ પર પ્રથમ નોરતે ગૃપ ગરબા હરિફાઈનું આયોજન કરવામા આવ્યું હતું.
ચારે કોર હર્ષ ઉલ્લાસનો માહોલ દાહોદ શહેર તથા જિલ્લામાં આ વર્ષે તમામ તહેવારોને મનાવવા માટે કોઈ માર્ગદર્શીકા નહી હોવાથી લોકો ઉત્સાહિત છે.
કારણ કે, સતત બે વર્ષ સુધી કોરોનાને કારણે તમામ પ્રકારની પાબંદીઓ લગાવેલી હોવાથી માત્ર ઔપચારિકતા જ કરવામા આવતી હતી.
ત્યારે આ વર્ષે કોરોના નહીવત હોવાથી તંત્ર દ્વારા સંપૂર્ણ છુટ આપવામા આવી હોવાથી ચારે કોર આનંદનુ વાતાવરણ છવાયેલુ છે.
સતત ત્રણ દિવસ ગૃપ હરિફાઈ ચાલશે
કોરોનાના કારણે નોરતાની રમઝટ બે વર્ષથી જામતી ન હોવાથી ખેલૈયાઓના ચહેરા મુરઝાયેલા હતા.
જોકે, આ વખતે છુટ મળતાં આયોજક મંડળોએ પણ મન મુકીને મહેનત કરી ગરબા ચોક સજાવ્યા છે.
દાહોદ શહેર સહિત જિલ્લામાં ગરબાના આયોજન કરવામા આવ્યાં છે.
પ્રથમ નોરતે ધીમી શરુઆત થઈ છે. દાહોદના સુપ્રસિધ્ધ મા શક્તિ ગરબામા પહેલા નોરતે ગૃપ ગરબા હરિફાઈનું આયોજન કરવામા આવ્યું હતું.
આ હરિફાઈ ત્રણ નોરતા સુધી ચાલશે. પ્રથમ દિવસે ગરબા જૂથોએ રમઝટ જમાવી હતી.