યુનિવર્સિટી હોસ્ટેલમાં ABVPના કાર્યકરોનું તોફાન, પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરી
ગુજરાત યુનિવર્સિટીનીની બોય હોસ્ટેલના સી બ્લોકમાં એબીવીપીના કાર્યકરોએ બાઇકો અને પોલીસની ગાડીમાં તોડફોડ કરી પોલીસની હાજરીમાં જ એનએસયુઆઈના કાર્યકરો સહિતના વિદ્યાર્થીઓ પર લાકડીઓ અને છરીથી હુમલો કર્યો હતો.
આ ઘટનામાં એન.એમ. ઝાલા કોમર્સ કોલેજમાં એમકોમમાં અભ્યાસ કરતા કૃણાલસિંહ જેતાવતે ગુજરાત યુનિ. પોલીસમાં એબીવીપીના દિવ્યપાલસિંહ સોલંકી, ભાવિન પઢિયાર, વિશાલ દેસાઈ, રાજ દેસાઈ, ધૈર્ય પટેલ અને હર્ષવર્ધનસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી બંને પક્ષે ઝઘડો ચાલતો હતો,
જેની અદાવતમાં આ હુમલો કરાયો હતો.
હોસ્ટેલના વિદ્યાર્થીઓએ યુનિ. પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો
ફરિયાદ મુજબ, હુમલાને પગલે કૃણાલસિંહ પોલીસની ગાડીમાં બેસી ગયો હતો,
તો આરોપીઓએ ગાડીની લોખંડની ગ્રિલ તોડી તેના કાન અને માથાના ભાગે લાકડીથી ગોદા માર્યા હતા.
તોડફોડની ઘટના બાદ વિદ્યાર્થીઓએ યુનિ.પોલીસ સ્ટેશન જઈ આરોપીઓને પકડવાના નારા સાથે ઘેરાવ કર્યો હતો.
આથી પોલીસે બોય્ઝ હોસ્ટેલમાં બંદોબસ્ત મૂક્યો હતો. પીઆઈ વી. જે. જાડેજાએ કહ્યું કે, ફરિયાદ નોંધી છે,
પણ હાલ કોઈની ધરપકડ કરાઈ નથી.હોસ્ટેલમાં દસેકનાં ટોળાંએ પાર્કિંગનાં વાહનો, રૂમમાં ટીવી, કબાટ સહિતની સામગ્રીઓને નુકસાન પહોંચાડ્યું હતું.