વિશ્વ ઉમિયાધામની ગરબા સ્પર્ધામાં જામજોધપુરની મહિલાઓ વિજેતા
નવરાત્રિ દરમિયાન શક્તિ પર્વની ઉપાસનના ઉદ્દેશ સાથે પાટીદાર મહિલાઓ માટે એસજી હાઈવે પાસે જાસપુરમાં આવેલા વિશ્વ ઉમિયાધામ ખાતે ત્રિદિવસીય ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ત્રણ દિવસીય ગરબા સ્પર્ધામાં વિશ્વ ઉમિયાધામનાં મહિલા સંગઠનની 25 જિલ્લાની 30 ટીમમાં 400થી વધુ પાટીદાર મહિલાઓ ભાગ લઈ રહી છે.
ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરના નિર્માણ પ્રસંગે મહિલા સશક્તીકરણ અને શક્તિ આરાધનાના ઉદ્દેશ સાથે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્યારે ચોથ, પાંચમ અને છઠના દિવસે એટલે કે 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી વિશ્વ ઉમિયાધામના તમામ સંગઠનના સભ્યો માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વ ઉમિયાધામ ખાતે સ્ટેટ લેવલ કોમ્પિટિશનમાં ગુજરાતના તાલુકા-જિલ્લામાંથી પ્રથમ નોરતે નવ ટીમે ભાગ લીધો હતો,
જેમાં જામજોધપુરની ટીમે ઉમદા પર્ફોર્મન્સ કરતા તેને પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવી હતી.
જ્યારે બીજા ક્રમે વડોદરાની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
આ સાથે અન્ય ટીમોએ પણ જોરદાર પ્રદર્શન કરતા સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલે ભાગ લેનારી તમામ બહેનોને બિરદાવી અભિવાદન કર્યું હતું.
આજે 20 હજાર લિટર ગંગાજળ મંદિર લવાશે
મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરના ગર્ભ ગૃહના નિર્માણ દરમિયાન સાદા પાણીના બદલે પવિત્ર ગંગાજળનો ઉપયોગ કરવામાં આવશે.
આ પવિત્ર ગંગાજળ હરિદ્વારથી ટેન્કરો મારફતે અમદાવાદ લાવવામાં આવી રહ્યું છે,
જેમાં પ્રથમ જથ્થો અંદાજિત 20 હજાર લિટર ગંગાજળ બુધવારે મંદિરમાં પહોચશે.
જ્યારે ગર્ભગૃહના નિર્માણ દરમિયાન જરૂરિયાત મુજબ વધુ ગંગાજળ મગાવવામાં આવશે.