ગાંધીનગર જિલ્લાનાં 42 ગામોના ખેડૂતો ગામમાં ‘રાજકીય પક્ષોને પ્રવેશ નહીંનાં’ બેનરો લગાવશે
ભારતમાલા પ્રોજેક્ટની જિલ્લાના 42 ગામોના ખેડૂતોની ઉપજાઉ અને કિંમતી જમીન સંપાદન થતી હોવાથી ખેડૂતોમાં રોષ છે.
ખેડુતોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
જેને પરિણામે જિલ્લાના 42 ગામોમાં રાજકીય પક્ષોને ગામમાં પ્રવેશ નહી તેવા બેનરો લગાવવામાં આવી રહ્યા છે.
જમીન સંપાદન થતી હોવાથી ખેડૂતોમાં રોષ
ભારતમાલામાં રાજ્યના થરાદથી અમદાવાદ સુધીનો સિક્સલેન રોડ બનાવવામાં આવશે. આ રોડ જિલ્લાના 42 ગામોમાંથી પસાર થતો હોવાથી ખેડૂતોની કિંમતી જમીન તેમાં જતી રહેતી હોવાથી ખેડૂતોમાં છે.
જિલ્લાની ખેતી પિયત, વર્ષમાં ત્રણ ત્રણ પાક લઇ શકાય તેવી ફળદ્રુપ જમીનને રોડ બનાવવા માટે સંપાદિતની કામગીરી હાથ ધરાઇ રહી છે.
જેને પરિણામે જિલ્લાના 42 ગામોના અંદાજે 800 જેટલા ખેડૂતોના પરિવારના ગુજરાનનો આધારસ્તંભ છિનવાઇ જવાથી ખેડુત પરિવારો આર્થિક રીતે પાયમાલ બની જશે.
ખેડૂતોની આવક બમણી કરવાની મોટી મોટી વાતો
જ્યારે બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડુતોની આવક બમણી કરવાની મોટી મોટી વાતો કરી રહી છે.
પરંતુ બીજી તરફ જમીન હડપ કરવા માટે ભારતમાલા જેવા પ્રોજેક્ટ શરૂ કરાઇ રહ્યા હોવાનું ખેડુતોએ જણાવ્યું છે.
ખેડુતોના પ્રશ્નોનું નિરાકરણ થાય નહી ત્યાં સુધી કોઇપણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવો નહી તેવા બેનરો લગાવવામાં આવી રહ્યા હોવાનું ખેડુત હિત રક્ષક સમિતિના યોગેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું છે.