વૈજ્ઞાનિક પત્નીની નોકરી છોડાવવા પતિએ મિત્રો સાથે મળી છરીના ઘા માર્યા
રાંધેજામાં આવેલી વિદ્યાપીઠમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતી મહિલાને તેના પતિ સહિત ચાર લોકોએ રસ્તામાં રોકી છરીથી હુમલો કર્યો હતો.
લગ્ન પછી મહિલા નોકરી કરવા ઇચ્છતી હતી, જ્યારે પતિ નોકરી છોડાવવા માગતો હતો. જેથી ગત રોજ પતિ સહિત ચાર લોકોએ મહિલાને રસ્તામાં રોકી હતી
અને નાણાં માગી છરીથી હુમલો કર્યો હતો.
આ બનાવને લઇને પેથાપુર પોલીસ મથકમાં ચાર લોકો સામે ફરિયાદ કરાઇ હતી.
રાંધેજા વિદ્યાપીઠમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા રાધાબેન વીરાજી ચૌધરી (રહે, વિદ્યાપીઠ ક્વોટર, રાંધેજા) છેલ્લા દોઢ વર્ષથી નોકરી કરે છે.
જ્યારે ફેબ્રુઆરી 2022માં રાવત આઇ દાનજી શિહોળ (જાટ) ચૌધરી સાથે લગ્ન થયા હતા. લગ્નના બીજા જ દિવસે પતિએ પત્નીને મારી હતી.
તે સમયે અભ્યાસ કરતી હોવાથી નોકરી કરવાની ઇચ્છા રાખતી હતી.
તે ઉપરાંત લગ્નના બીજા દિવસે પત્નીને માર માર્યો હતો.
પતિ નોકરી છોડાવવા માગતો હોવાથી હુમલો કર્યો હતો.
ગત રોજ મહિલા વૈજ્ઞાનિક રાંધેજા વિદ્યાપીઠમાં નોકરી કરી દરવાજા બહાર નિકળી રહી હતી.
તે સમયે ત્રણ વ્યક્તિઓએ વાહન રોકાવ્યુ હતુ,
જેમાં એક વ્યક્તિએ ધક્કો મારતા નીચે પાડી દીધી હતી. જ્યારે બીજા વ્યક્તિએ નાક ઉપર છરી મારી હતી
અને ત્રીજા વ્યક્તિએ વાળ પકડી માર માર્યો હતો. ત્યારબાદ એક કારમાં પતિ રાવત શિહોળ પોતાના હાથમાં ચપ્પુ લઇને આવી મારતા હાથ ઉપર વાગ્યું હતું.
તે સમયે સાથી કર્મચારી આવતા બચાવતા જતા તેમના ઉપર પણ હુમલો કર્યો હતો.
જ્યારે વધારે લોકો એકઠા થઇ જતા ભાગી ગયા હતા.
જતા જતા ધમકી આપતો ગયો હતો કે, આજે તો બચી ગઇ છો, પરંતુ હવે જાનથી મારી નાખીશ. આ બનાવની પેથાપુર પોલીસ મથકમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.