સુરતીઓએ માત્ર 8 કલાકમાં 225 ATMમાંથી 42 કરોડ ઉપાડ્યા, 180 મશીન ખાલી થઈ ગયાં
દિવાળીને લઈને લોકો ખરીદી માટે નિકળતા શહેરના ઘણાખરા ATM રવિવારે બપોરે જ ખાલી થઈ ગયા હતાં.
શહેરમાં તમામ બેન્કોના 225 ATM છે. રવિવારે બપોર પહેલાં જ 180 ATM ખાલી થઈ ગયા હતાં.
બેન્ક અધિકારીઓના મતે રવિવારે સવારે 7થી બપોરે 3 સુધીમાં 225 ATMમાંથી 42 કરોડ રૂપિયા ઉપાડાયા હતા. એક ATMમાં 15 લાખની ક્ષમતા હોય છે.
સામાન્ય રીતે ATM 20થી 24 કલાકમાં ખાલી થાય છે.
આમ, ATMમાંથી રોજિંદો સરેરાશ 16થી 20 કરોડ જેટલો ઉપાડ હોય છે.
જો કે, દિવાળીને લઈ રવિવારે ઉપાડ બમણાથી વધુ રહ્યો હતો.
સુરત પીપલ્સ બેન્કના એમડી ડો. જતીન નાયકે કહ્યું કે, ‘કોરોનામાં લોકોએ ખર્ચ ઓછો અને બચત વધારે કરી હતી,
પરંતુ હાલ કોરોનાની અસર નહીંવત છે અને દિવાળી સામે હોવાથી લોકો મોટા પાયે ખરીદી કરી રહ્યા છે, જેને લઈને બેન્કોના ATM ખાલી થયા હોય શકે.
શહેરમાં એક જ દિવસમાં રેડિમેઇડ ગાર્મેન્ટમાં 10 કરોડ રૂપિયાનો વેપાર
હાલમાં રેડીમેડ ગાર્મેન્ટમાં ભારે તેજી છે. રવિવારે શહેરમાં અંદાજે 10 કરોડથી વધુના કપડાંનું વેચાણ થયું છે.
બે વર્ષ બાદ દિવાળીનો તહેવાર લોકો મનમૂકીને ઉજવવાની તૈયારી કરી રહ્યા છે,
જેથી ખરીદી વધારે જોવા મળી રહી છે.
બેંકોમાં ડિપોઝિટ ઘટી, લોન વધી
બેન્કિંગ સેક્ટરમાં છેલ્લાં 1 વર્ષમાં લોકોએ ડિપોઝિટ ઓછી કરી છે.
ઓલ ઓવર ડિપોઝીટ ગ્રોથ 10થી 11 ટકા છે.
જ્યારે ક્રેડિટ ગ્રોથ એટલે કે ધિરાણ 17થી 18 ટકા છે,
જેના કારણે પણ હાલમાં શહેરના વિવિધ બજારોમાં તેજી જોવા મળી રહી છે.
મહિનામાં 10 કલાક ATM બંધ રહે તો 10 હજારનો દંડ
ઘણી બેંકો લાંબો સમય ATMમાં નાણાં નહીં નાંખતા લોકો હેરાન થતા હતા,
જેથી રિઝર્વ બેંકે નિયમ બનાવ્યો કે, ATM મહિનામાં 10 કલાકથી વધારે બંધ રહે તો બેંકને 10 હજારનો દંડ કરાશે.
શહેરમાં કુલ 225 ATM છે
શહેરની 12 નેશનલાઈઝ બેંક, 18 કો-ઓપરેટિવ બેંક અને 17 પ્રાઈવેટ બેન્ક વિવિધ શાખા ધરાવે છે.
આ તમામ બેંકોના ATM મળીને એક અંદાજ પ્રમાણે શહેરભરમાં લગભગ 225 જેટલા ATM છે.