સાવ નવા સ્ટેપ્સે ખેલૈયાઓને ગાંડા કર્યા, શીખવા માટે છેલ્લી ઘડીએ પરસેવો પાડ્યો, ક્લાસિસ આખી રાત ધમધમ્યા

કોરોનાકાળ બાદ પહેલીવાર આ વર્ષે નવલાં નોરતાંની ઉજવણીમાં ધામધૂમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ પણ આ નવરાત્રીમાં કંઈક હટકે કરવા માટે થનગની રહ્યા છે.
આ બધાની વચ્ચે આજથી નવરાત્રીમાં નવે નવ દિવસ પુષ્પા સ્ટાઈલ સ્ટેપ્સ ધૂમ મચાવશે તેમાં કોઈ જ શંકા નથી. નવરાત્રીની છેલ્લી ઘડીએ પણ ગરબા ક્લાસિસમાં આ સ્ટેપ્સ શીખવા માટે ખેલાયાઓ પરસેવો પાડી રહ્યા છે.
આ સ્ટેપ્સને લઈને ખેલૈયાઓમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દિવ્ય ભાસ્કરે અમદાવાદના વિવિધ ગરબા ક્લાસિસની મુલાકાત કરી તો પુષ્પા સ્ટાઈલ સ્ટેપ્સના ક્રેઝની હકિકત જાણવા મળી.
ગરબા ક્લાસિસના સંચાલકોનું કહેવું છે કે, આ સ્ટેપ્સ માટે લોકો તરફથી પણ ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
છેલ્લી ઘડીએ પણ આ સ્ટેપ્સ શીખવા માટે ખેલૈયાઓમાં તરવરાટ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના સિલ્વર ડાન્સ એકેડમીના સંચાલક ઈરફાનભાઈએ જણાવ્યું કે, આમ તો ગરબામાં બોલીવુડનાં ગીતો વગાડવામાં આવે છે એનાં પ્રત્યે લોકોની રૂચિ પણ હોય છે.
જો કે પુષ્પાની વાત જ કંઈક અલગ છે. આખાં વર્ષ દરમ્યાન પુષ્પા કઈંક ને કઈંક રીતે ટ્રેન્ડિંગમાં હતું,
એટલે જ તો યૂથ તેની સાથે આસાનીથી કનેક્ટ થઈ ગયું છે. જેને કારણે પુષ્પાનાં ડાન્સ સ્ટેપ્સને ગરબા સાથે જોડી ખેલૈયાઓ નવરાત્રીમાં ધૂમ મચાવવા માગે છે.
તેમણે કહ્યું કે, જ્યારે પુષ્પાના ગીત વાગશે ત્યારે જ આ સ્ટેપ્સ પર્ફોમ કરવામાં આવશે. ઈરફાનભાઈએ કહ્યું કે, આ સ્ટેપ્સ માટે આપણે ત્યાં ગરબા શીખવા આવતા લોકોનો ખાસ આગ્રહ હોય છે
અને એનાં માટે લોકો ખુબ મહેનત પણ કરી રહ્યાં છે.
સિલ્વર ડાન્સ એકેડમીના સંચાલક ઈરફાનભાઈએશ ગરબાનાં આ સ્ટેપ્સનો વીડિયો પણ શેર કર્યો છે.
આ સ્ટેપ્સ વિશે જણાવવામાં આવ્યું કે, આમાં પુષ્પાનું જે ફેમસ ગીત છે ”સામી… સામી…” ના જે સ્ટેપ્સ છે એને વચ્ચે-વચ્ચે પરર્ફોમ કરવામાં આવે છે.
સાથે સાથે એનો જે ફેમસ સ્ટેપ્સ છે, પગ લથડાઈને ચાલવાનું એ પણ આમાં પરર્ફોમ કરવામાં આવે છે.
પછી એમાં દાઢીની નીચે હાથ ફેરવવાની જે સ્ટાઈલ છે, એને પણ આમાં સામેલ કરવામાં આવેલ છે.
છેલ્લે એમાં જે કમર પર હાથ મુકીને બીજી બાજુથી હાથ હવામાં ફેરવીને સ્ટેપ લેવાશે.
અંતે આખો ડાન્સ જોતાં તમને ગરબાની ફીલિંગ આવશે જ. કારણ કે જે, આ પુષ્પા સ્ટેપ્સ અને ગરબાનું મિશ્રણ છે એ આ કોમ્બીનેશન પર્ફેક્ટ બનાવે છે.
આ જોઈને સાચે જ લાગે કે, આ નવા જ પ્રકારનું એક ક્રિએશન છે,
જે હાલ તો લોકોમાં ખુબ જ લોકપ્રિય થઈ રહ્યું છે.
આવા જ એક ગ્રૂપ સાથે વાત કરતાં જાણવાં મળ્યું કે એમનું આઠથી દસ લોકોનું ગ્રૂપ છે.
ગ્રૂપના તમામ સભ્યો પુષ્પા સ્ટાઈલ ગરબા સ્ટેપ્સ માટે ઉત્સાહિત છે, બધાએ ખુબ જ મહેનત કરી છે.
આમ તો દર વર્ષે નવાં નવાં પ્રકારનાં અલગ-અલગ સ્ટેપ્સ, ગીત, ગરબા કરતાં હોય છે,
પણ આ વર્ષે પુષ્પાના કન્સેપ્ટથી ખાસ ઉત્સાહિત છીએ.
એટલે જ યંગસ્ટર્સ આની સાથે આસાનીથી જોડાઈ શકે છે.
