ડીસા એરબેઝથી પશ્ચિમી હવાઇ સરહદ પર રક્ષક સ્વદેશી તેજસ
દેશની પશ્ચિમી હવાઇ સરહદની સુરક્ષા કરવામાં ડીસા એરબેઝની ભૂમિકા મહત્ત્વની રહેશે.
એક દસકાથી પણ વધુ લાંબો સમય રાહ જોયા પછી ડીસા એરફિલ્ડ બુધવારે ઓપરેશનલ થઇ ગયું.
આગામી વર્ષોમાં અહીં સ્વદેશી ફાઇટર, લાઇટર કોમ્બેટ એરક્રાફ્ટ (એલસીએ) તેજસ તહેનાત થશે.
આ ઉપરાંત ફાઇટર હેલિકોપ્ટર અને આકાશ મિસાઇલ સિસ્ટમની સ્ક્વૉડ્રન આવવાની શક્યતા છે.
તે આવ્યા પછી પશ્ચિમી મોરચે હવાઇ સુરક્ષા વધુ મજબૂત થશે.
હાલ પશ્ચિમી ક્ષેત્રે બાડમેરના ઉતરલાઇ પછી ભુજમાં પણ એરબેઝ છે.
એટલે હવાઇ સરહદે વધુ અંતર હતું, જે હવે ઘટી જશે. ડીસા એરબેઝ જોધપુર અને ફલૌદી એરબેઝની જેમ બેકઅપ એરબેઝ સાબિત થશે.
દોઢ દાયકા પહેલાં વાયુસેનાએ ફલૌદી અને ડીસા એરબેઝ બનાવવાની તૈયારી કરી હતી.
ત્યારે અહીં પાઈલટોની સેકન્ડ ફેઝ ટ્રેનિંગ શરૂ કરવાનું આયોજન હતું.
મોદી સરકાર આવ્યા પછી તે બદલીને ઓપરેશનલ બેઝ બનાવવાનું કામ શરૂ થયું.
આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉદઘાટન દરમિયાન કહ્યું કે સરકાર આવ્યા પછી અમે ડીસાને ઓપરેશનલ એરબેઝ બનાવવાનો નિર્ણય કર્યો.
હવે અમારી સેનાઓની અપેક્ષા આજે પૂરી થઇ રહી છે.
આ ક્ષેત્ર હવે દેશની સુરક્ષાનું મહત્ત્વનું કેન્દ્ર બનશે. વાયુસેના માટે રૂ. 48 હજાર કરોડના ખર્ચે એચએએલ પાસેથી તેજસ માર્ક 1એ ખરીદવાનો ઓર્ડર ગયા વર્ષે જ અપાયો હતો.
જોકે, તેને આવતાં આઠ વર્ષનો સમય લાગશે.
તે જોતા તહેનાતીની યોજના તૈયાર કરાઇ છે.
તેજસ માર્ક 1એ: કિંમત રૂ. 309 કરોડ
- 83 તેજસની કિંમત રૂ. 48 હજાર કરોડ
- 309 કરોડ રૂપિયાનું એક તેજસ ફાઇટર વિમાન
- 290 કરોડ રૂપિયાનું ટ્રેનર વિમાન ડબલ કોકપિટ
- 36 હજાર કરોડ રૂપિયા વિમાન સહિત ટેક્સ અને ફોરેન એક્સચેન્જ
- 25125 કરોડ રૂપિયા મૂળ કિંમત અને 11000 કરોડ સ્પેર પાર્ટ્સ, ગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટ અને હેંગર
પશ્ચિમી સરહદે મિગ 21 નિવૃત્ત થતાં હોવાથી ઝડપી નિર્ણયો લેવાયા
વાયુસેના પાસે હવે 42ના બદલે 30થી 35 સ્ક્વૉડ્રન પણ પૂરાં નથી બચ્યાં.
પશ્ચિમી સરહદે જે એરબેઝથી મિગ 21 નિવૃત્ત થઇ ગયાં છે કે થવાના છે,
ત્યાં આગામી વર્ષોમાં તેજસ તહેનાત કરવાની યોજના છે.
ગુજરાતના નલિયા અને ભુજ બેઝથી મિગ બહાર થયે લાંબો સમય થઇ ગયો છે.
બંને એરબેઝ પર બહારથી વિમાન આવીને પ્રેક્ટિસ કરે છે.
તેના કારણે મોદી સરકાર તેજસની ખરીદીમાં પણ ઝડપ લાવી છે.
બીજી પ્રોડક્શન લાઇન તૈયાર થતાં તેજસ 16 થઇ જશે
મિગ 21 બાયસન વિમાનની સંખ્યા 40માંથી 50 થઇ ગઈ છે.
તે 2025 સુધી ફેઝ આઉટ થશે. તેજસ માર્ક 1એ તેની જગ્યા લેશે.
હવે દર વર્ષે છથી આઠ તેજસ મળશે,
જે બીજી પ્રોડક્શન લાઇન તૈયાર થયા પછી બમણા એટલે કે 16 થઇ જશે. આમ દરેક વિમાન નવેક વર્ષમાં મળી જશે.
હાલ વાયુસેના પાસે 18 તેજસ છે. એટલે કે 2030 સુધી તમામ તેજસ મળવા શક્ય થઇ જશે.
83 તેજસ મળ્યા પછી વાયુસેનાની ક્ષમતામાં વધારો થશે અને ચાર નવી સ્ક્વૉડ્રન બનશે.
તે પણ પશ્ચિમી મોરચે તહેનાત કરાશે.
સૌથી પહેલાં તે એક પણ સ્ક્વૉડ્રન નહીં હોય તે એરબેઝ પર રખાશે.