ઘોઘંબામાં જાહેર શૌચાલય પર જિલ્લા કલેક્ટરના હુકમથી ગ્રામ પંચાયતે બુલડોઝર ફેરવ્યું
ઘોઘંબા નગરના બજારમાં આંગણવાડી પાસે બનાવવમાં આવેલ લોક ઉપયોગી જાહેર શૌચાલયમાં ભારે ગંદકી થતી હોવાથી તેને તોડી પાડવાનો હુકમ જિલ્લા કલેક્ટરે કરતા આ જાહેર શૌચાલય ઉપર સ્થાનીય ગ્રામ પંચાયતે બુલડોઝર ફેરવી ગંદકી દૂર કરી હતી.
ગંદકી અટકાવવા બનાવવમાં આવેલ શૌચાલય જ ગંદકી સાબિત થતા હવે ગંદકી નગરના જાહેર માર્ગો ઉપર જોવા મળે તો નવાઈ નહીં કહેવાય.
શૌચાલય માત્ર ગંદકી ઉભી કરવાનું સ્થળ બન્યું
ઘોઘંબા નગર તાલુકા મથક છે અને આજુ બાજુના 70થી વધુ ગામડાઓના લોકો માટેનું મુખ્ય વ્યાપારી મથક પણ છે.
અહીં દરરોજ હજારો લોકો ગામડાઓમાંથી પોતાના વ્યાપારી કામો માટે આવતા હોય છે,
તો અનેક લોકો સરકારી કચેરીઓના કામો માટે પણ આવતા હોય છે.
ત્યારે અત્રે આવતા ગ્રામ્ય લોકો માટે બજાર ફળિયામાં શૌચાલયની સુવિધા ઉભી કરવામાં આવી હતી.
આ શૌચાલયને સ્વચ્છ અને સાફ રાખવાની જવાબદારી ગ્રામ પંચાયતની હતી,
પરંતુ ગ્રામ પંચાયત આ શૌચાલય બનાવી છૂટી જતા આ શૌચાલય લોક ઉપયોગી સાબિત થયું ન હતું અને માત્ર ગંદકી ઉભી કરવાનું સ્થળ બની રહી ગયું હતું.
જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર શૌચાલયને તોડી પાડવાનો હુકમ
ગામની વચ્ચે અને આંગણવાડી નજીક સારા ઉદેશ સાથે બનાવવામાં આવેલ આ જાહેર શૌચાલય અહીં આવતા હજારો લોકો ઉપયોગ કરે તે માટે ગ્રામ પંચાયતે પારદર્શી વહીવટ કરવાનો હતો.
પરંતુ ગ્રામ પંચાયત સ્વચ્છતાનો આગ્રહ રાખી શૌચાલયની સાફસફાઈ કરાવે તે પહેલાં અત્રેનું આ શૌચાલય આંગણવાડી નજીક બનાવવામાં આવેલું હોવાથી રાષ્ટ્રીય બાળ સુરક્ષા આયોગના અભિયાન અંતર્ગત બાળકોના પ્રશ્નોની રજૂઆતોમાં સ્થાનિક નાગરિકે રજૂઆત કરતા જિલ્લા કલેક્ટર દ્વારા આ જાહેર શૌચાલયને તોડી પાડવાનો હુકમ કર્યો હતો.
નવું જાહેર શૌચાલય બનાવવમાં આવે તે પણ જરૂરી
સ્થાનિક ગ્રામ પંચાયતે લોક ઉપયોગી આ જાહેર શૌચાલયને ગંદકીનો ગઢ બન્યું એ પહેલાં સાફ સફાઈ કરી જે ઉદેશથી બનાવવમાં આવ્યું હતું
એ ઉદેશ સિદ્ધ થાય તેવું આયોજન કર્યું હોત તો આજે આ જાહેર શૌચાલય ગામડાઓમાંથી અહીં આવતા અનેક લોકો માટે આશીર્વાદ સમાન બની રહ્યું હોત.
હવે અહીં આવતા ગામડાઓની પ્રજા એમાં પણ ખાસ કરીને મહિલાઓ માટે ભારે મુશ્કેલીઓ ઉભી થાય એ પહેલાં કોઈ અન્ય જગ્યાએ નવું જાહેર શૌચાલય બનાવવમાં આવે તે પણ જરૂરી છે.