કાલોલમાં 6 કલાકમાં 27 મિમી, ગોધરામાં 14 મિમી જ્યારે ઘોઘંબામાં 6 મિમી વરસાદ
હવામાન વિભાગની અાગાહી મુજબ પંચમહાલ જિલ્લામાં બીજા દિવસે પણ મેઘરાજાનું અાગમન થયું હતંુ.
શુક્રવારની વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોની ફોજ અાવી ચઢી હતી.
અને બપોર બાદ ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં વરસાદે ધમાકેદાર અેન્ટ્રી કરતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.
ગોધરા કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડ પાસે અને નવીન જિલ્લા પંચાયતની બહાર વરસાદી પાણી ભરાઇ જતાં જાણે મિનિ તળાવનું સર્જન થયું હોય તેમ લાગતું હતું.
જિલ્લામાં ગત રાતના સાર્વત્રિક વરસાદથી જિલ્લો વરસાદી પાણી તરબોળ થયો હતો.
ત્યારે શુક્રવારે બપોર બાદ 6 કલાકમાં સાૈથી વધુ કાલોલમાં 27 મિમી, ગોધરામાં 17 મિમી, ઘોઘંબામાં 6 મિમી, શહેરા 1 મિમી , મોરવા(હ) માં 6 મિમી તથા હાલોલ માં 8 મિમી વરસાદ નોધાયો હતો.
જિલ્લામાં વરસાદથી ડાંગરો અાડી પડી જતાં નુકસાનીની ભીતીં ખેડૂતો સેવી રહ્યા છે.
ત્યારે હજુ પણ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો રહેશે તેમ હવામાન વિભાગ જણાવી રહ્યું છે.
બાલાસિનોરમાં 2, લુણાવાડામાં 1 ઇંચ વરસાદ
મહીસાગર જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રીએ ધોધમાર વરસાદ વરસતા શહેરના માર્ગો પર ઘૂંટણસમાં પાણી વહ્યાં હતાં.
6 તાલુકા પૈકી 5 તાલુકામાં વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહિસાગર જિલ્લામાં ગત મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો છે.
જિલ્લાના છ તાલુકા પૈકી પાંચ તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે .
જેમાં સૌથી વધુ બાલાસિનોરમાં 2 ઇંચ વરસાદ , લુણાવાડામાં 1 ઇંચ વરસાદ , કડાણા તાલુકામાં અડધો ઇંચ વરસાદ, વીરપુરમાં 9 મિમી , સંતરામપુરમાં 6 મિમી જ્યારે ખાનપુરમાં નહિંવત 1 મિમી વરસાદ નોંધાયો છે.
પાછોતરા વરસાદથી ખેતીના પાકોને નુકસાન થયું છે
અને વધું નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે.