ઇન્દોર જતી શાંતિ એક્સપ્રેસનું લીમખેડાને સ્ટોપેજ મળ્યું

1 ઓક્ટોબર શનિવારના રોજ પશ્ચિમ રેલવે રતલામ મંડળના લીમખેડા રેલ્વે સ્ટેશને ગાંધીનગર કેપિટલ ઈન્દોર ગાંધીનગર એક્સપ્રેસ ટ્રેન મુસાફરોની સુવિધા માટે સ્ટોપેજનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની સફળ રજૂઆતને રેલવે મંત્રાલય દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવતા શનિવારે રાત્રે 11:00 કલાકે ગાંધીનગર ઈન્દોર ટ્રેનનું સ્ટોપેજ શરૂ થયું હતું.
લીમખેડા રેલ્વે સ્ટેશનથી ગાંધીનગર જવા માટે સવારે 4:14 કલાકે તથા ઇંદોર જવા માટે રાત્રે 11.02 કલાકે શરૂ થતી શાંતિ એક્સપ્રેસના સ્ટોપેજનો સાંસદ જશવંતસિંહ ભાભોરે લીલી ઝંડી ફરકાવી તથા ટ્રેનના લોકો પાયલટ ભારતસિંહ સોલંકીનું સાલ ઓઢાડી સન્માન કરી પ્રારંભ કરાવ્યો હતો.
તેમજ ઉપસ્થિત ગ્રામજનોને જણાવ્યું હતું કે પાટનગર ને જોડતી ટ્રેનનું સ્ટોપેજ પંથકની પ્રજાની સુવિધા માટે ખૂબજ ઉપયોગી બનશે.
દાહોદથી સંતરોડ સુધીના રેલ્વે રૂટને ફાટક મુકત બનાવવામાં રેલવે તંત્ર એ સફળતા પ્રાપ્ત કરી છે.
લીમખેડા રેલ્વે ગરનાળાને પણ આગામી સમયમાં પહોળું કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
લીમખેડા રેલવે સ્ટેશને વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેન દાહોદ આણંદ મેમુ ટ્રેન દાહોદ વડોદરા મેમુ ટ્રેનના પુનઃ સ્ટોપેજ માટે તથા પ્લેટફોર્મની લંબાઈ વધારવાની પાણી પીવા માટેનો ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરવા સ્ટેશન ઉપરના બાંકડા ઉપર શેડ બનાવવા સહિતની અનેક પ્રજાજનોની રજૂઆતને આગામી છઠ્ઠી ઓક્ટોબરના રોજ દાહોદ આવનાર રેલવે મંત્રીને જાણ કરી રજૂઆતો પરિપૂર્ણ કરવા માટે સાંસદ જશવંતસિંહ ભાભોરે ખાતરી વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી સ્નેહલ ધરીયા લીમખેડા મંડળ પ્રભારી વિનોદ રાજગોર રેલવે મંડળના જયરામ કુર્સીજા સહિત અનેક અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લીમખેડા નગરના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.