વડોદરામાં દીકરીને ગરબા જોવા લઈ જનાર CISFના મહિલા PSIને પતિ અને સાસુએ માર માર્યો, હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નવરાત્રિના પ્રથમ દિવસે રાત્રે દીકરીને લઈને ગરબા જોવા માટે ઘરેથી નીકળી રહેલા CISFના મહિલા PSIને પતિ તથા સાસુએ ઝઘડો કરીને માર માર્યો હોવાનો કિસ્સો પોલીસ સ્ટેશનમાં આવ્યો છે.
હરણી પોલીસે મહિલા પોલીસ અધિકારીની ફરિયાદના આધારે પતિ અને સાસુ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે, 10 દિવસ પહેલાં પણ મહિલા પોલીસ અધિકારી પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા.
પરંતુ, પોલીસ અધિકારીએ દાંપત્ય જીવન તૂટી ન જાય તેવા આશય સાથે સમજાવતા મહિલા પોલીસ અધિકારીએ ફરિયાદ કરી ન હતી.
પતિ માર મારી ઝગડો કરીને જતા રહ્યા હતા
હરણી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પ્રતિમાબહેન (નામ બદલ્યું છે) હરણી વિસ્તારમાં બે બાળકો સાથે રહે છે.
અને વડોદરામાં CISF મહિલા PSI તરીકે ફરજ બજાવે છે. 9 વર્ષ પહેલાં તેમના લગ્ન પંકજ સુરેન્દ્રકુમાર પંત સાથે થયા હતા. તેઓ અમદાવાદમાં નોકરી કરતા હતા.
ત્યારે વર્ષ-2022માં તેમના પતિ પંકજ પંત મારામારી કરી ઝઘડો કરી જતા રહ્યા હતા. ત્યારથી પ્રતિમાબહેન પોતાના બે બાળકો સાથે એકલા રહે છે.
પતિ શોધતો વડોદરા આવી પહોંચ્યો
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદમાં એકલી રહેતી હતી,
ત્યારે પણ પતિ અવારનવાર ઝગડો કરતા હતા. જેથી અમદાવાદ પોલીસ મથકમાં પણ પતિ વિરૂદ્ધ અરજી આપી હતી.
દરમિયાન વર્ષ-2021માં વડોદરા ખાતે બદલી થતા વડોદરા હરણી વિસ્તારમાં બે બાળકો સાથે રહે છે.
દરમિયાન પતિ પંકજ પત્ની પ્રતિમાબહેનને શોધતા વડોદરા આવી પહોંચ્યા હતા. અને એપ્રિલ-2022થી સાથે રહે છે અને પતિ સાથે સાસુ હિનાબહેન (નામ બદલ્યું છે) પણ રહે છે.
કાઉન્સેલિંગ કરતા ફરિયાદ ન કરી
વડોદરા આવ્યા બાદ પતિ પંકજ અને સાસુ હિનાબહેન પુનઃ નાની નાની બાબતે ઝઘડો કરી શારીરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
સાસુ અને પતિ સાથે માર મારતા હતા.
પરંતુ, બદનામીના કારણે તેઓનો ત્રાસ સહન કરી રહ્યા હતા.
10 દિવસ પહેલાં પણ પતિ અને સાસુએ ભેગા મળીને CISFના મહિલા PSI પ્રતિમાબહેનને માર માર્યો હતો.
પ્રતિમાબહેન પતિ અને સાસુ વિરૂદ્ધ હરણી પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે ગયા હતા. પરંતુ, પોલીસ અધિકારીએ તેઓનું કાઉન્સેલિંગ કરી સમજાવતા ફરિયાદ કરી ન હતી.
નવરાત્રિના પ્રથમ દિવસે માર માર્યો
દરમિયાન તા. 26-9-022ના રોજ નવરાત્રિના પ્રથમ દિવસે CISFના મહિલા PSI પ્રતિમાબહેનને તેમની દીકરીએ ગરબા જોવા જવા માટે જીદ કરી હતી.
જેથી પ્રતિમાબહેન દીકરીને લઈને ગરબા જોવા માટે જઇ રહ્યા હતા, ત્યારે પતિ પંકજ પંત અને સાસુ હિનાબહેને ઝઘડો કરી, અપશબ્દો બોલીને માર માર્યો હતો.
આમ અવાર-નવાર ઝઘડા કરી ત્રાસ ગુજારી રહેલા પતિ પંકજ પંત અને સાસુ હિનાબહેન પંત સામે CISFના મહિલા PSI પ્રતિમાબહેને હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
હરણી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.