આદિવાસી ક્ષેત્રમાં મોબાઇલ ટાવર માટે સરકાર ભાડાપટ્ટે જમીન આપશે

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં મોબાઇલ નેટવર્કના અભાવે આ વિસ્તારના લોકો યોજનાકીય લાભો મેળવવામાં મુશ્કેલી પડે છે.
આ વિસ્તારના લોકોને યોજનાકીય લાભો અને ઓનલાઇન શિક્ષણથી વંચિત ન રહે તે માટે 14 જિલ્લામાં મોબાઇલ ટાવર સ્થાપવા માટે સરકારે મોબાઇલ કંપનીઓને ભાડાપટ્ટે જમીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જમીન ભાડાપટ્ટે ફાળવવામાં આવશે
મહેસૂલ વિભાગે જારી કરેલા ઠરાવ મુજબ આદિવાસી વિસ્તારના 14 જિલ્લાના 53 તાલુકાના 543 ગામોમાં મોબાઇલ નેટવર્ક કનેક્ટીવિટી પુરી પાડવા માટે મોબાઇલ ટાવર નાખવા સેલ્યુલર ઓપરેટરોને ગામતળની જમીન ભાડાપટ્ટે ફાળવવામાં આવશે.
મોબાઇલ ટાવર માટે મહત્તમ 200 ચોરસમીટરની મર્યાદામાં સરકારી- ગામતળની જમીન જંત્રી આધારિત કિંમતના 15 ટકાના વાર્ષિક દરથી ભાડાપટ્ટે આપવામાં આવશે.
જમીનની લીઝની મુદ્દત 30 વર્ષની રહેશે અને દર પાંચ વર્ષે ભાડાના દરની સમીક્ષા કરવામાં આવશે.
મોબાઇલ ટાવરના બાંધકામ કે સ્ટ્રક્ચર ઉભુ કરવા જમીનની માંગણી
મોબાઇલ ટાવરના બાંધકામ કે સ્ટ્રક્ચર ઉભુ કરવા જમીનની માંગણી અંગે ગ્રામ પંચાયતની ઠરાવથી સંમતિ મેળવી લેવાની રહેશે.
ગામતળ જમીન લીઝ પર લેવા બાબતે બિનખેતી આકાર, રૂપાંતર કર, શિક્ષણ ઉપકર, લોકલ ફંડ સહિતના વેરા, લાયસન્સ ફી, એસેસમેન્ટ ચાર્જ અને જીએસટી વરો લીઝ હોલ્ડરે ભોગવવાના રહેશે.