આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ સહિત અન્ય સામે પોલીસે ગુના નોંધ્યા

હડતાળિયા કર્મચારીઓ વિરૂદ્ધ સરકારે હવે શિસ્તભંગના પગલા લેવાનું શરૂ કર્યું છે.
ગાંધીનગરમાં હડતાળ કરનારા આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજિતસિંહ મોરી વિરુદ્ધ ગેરકાયદે મંડળી રચી પ્રદર્શન કરવાના અને પોલીસના કામમાં વિક્ષેપ પાડવાનો ગુનો નોંધાયો છે.
આ સિવાય એલઆરડી અને રહેમરાહે નોકરીની માંગણી સાથે દેખાવ કરનાર આંદોલનકારીઓ સામે બે ગુના દાખલ થયા છે.
ગાંધીનગરમાં રેલી કે ધરણા કરવાની કોઇ મંજૂરી આપવામાં આવી નથી
ગાંધીનગરના ડીવાયએસપી એમ.કે.રાણાએ સ્પષ્ટ સૂચના જારી કરી છે કે ગાંધીનગરમાં કોઇપણ કર્મચારી સંગઠનને રેલી કે ધરણા કરવાની કોઇ મંજૂરી આપવામાં આવી નથી.
આથી સત્યાગ્રહ છાવણી કે અન્ય કોઇપણ સ્થળે ધરણા કે પ્રદર્શન કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.
બીજીતરફ કર્મચારી સંગઠનોએ પોતાનું આંદોલન ચાલું રાખ્યું છે.
શુક્રવારે મોટાપાયે અટકાયત થયા બાદ કર્મચારી મહાસંઘ દ્વારા હડતાલ યથાવત રાખી પણ તમામ કર્મચારીઓને ગાંધીનગર છોડી પોતાના જિલ્લામાં પરત જઈ ત્યાં વિરોધ પ્રદર્શન કરવાની સૂચના અપાઈ છે.
ખેડૂતોના રજિસ્ટ્રેશનની કામગીરીનો બહિષ્કાર કર્યો
આરોગ્ય કર્મચારીની સાથે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોએ પણ હડતાલ ચાલુ રાખી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ખેડૂતોના રજિસ્ટ્રેશનની કામગીરીનો બહિષ્કાર કર્યો છેે.
કેટલાક સ્થળોએ ટીડીઓ વીસીઇને છૂટા કરવાના આદેશ કરતાં વીસીઇમાં રોષ ફેલાયો છે.
પૂર્વ સૈનિકોનું આંદોલન સમેટાયા બાદ અર્ધલશ્કરી દળોના પૂર્વ સૈનિકોએ વિવિધ 14 જેટલા મુદ્દાઓ સાથે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં શરૂ કર્યા છે.