ગાંધીનગરમાં નવરાત્રી શરૂ થવા છતાં સેક્ટરોમાં સ્ટ્રીટલાઇટો બંધ હાલતમાં
નવલી નવરાત્રીના પ્રારંભને માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે. તેમ છતાં સેક્ટરોમાં બંધ સ્ટ્રીટલાઇટોને ચાલુ કરવામાં આવતી નથી.
ઉપરાંત નમી પડેલા વીજ પોલને સીધા કરવા સહિતની કામગીરી નહી કરતા સ્થાનિક લોકોમાં રોષ ઉઠવા પામ્યો છે.
નગરના સેક્ટર-27ના ગાયત્રી સોસાયટી અને સેક્ટર-15 ફતેપુરા વિસ્તારમાં આવી સ્થિતિ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે.
સેક્ટરોમાં બંધ સ્ટ્રીટ લાઇટો
નવરાત્રી પર્વના પ્રારંભ પહેલાં નગરના મુખ્ય તેમજ આંતરિક માર્ગો તેમજ સેક્ટરોમાં બંધ સ્ટ્રીટ લાઇટોને ચાલુ કરવામાં આવતી હતી.
પરંતુ ચાલુ વર્ષે નવરાત્રીને પ્રારંભ થવાને માત્ર એક જ દિવસ બાકી હોવા છતાં નમી પડેલા તેમજ બંધ વીજપોલને ચાલુ કરવાની તસ્દી તંત્ર દ્વારા લેવામાં આવતી નથી.
જેને પરિણામે નવરાત્રી પર્વમાં અંધારાને પગલે સ્થાનિક લોકોને અવર જવરમાં હાલાકી પડવાની શક્યતા રહેલી છે.
નગરના સેક્ટર-27ના ગાયત્રી સોસાયટી સહિતના વિસ્તારોમાં અનેક વીજ પોલ બંધ હાલતમાં છે.
તેમાં નવરાત્રી ચોકમાં આવેલા વીજપોલ પણ બંધ છે.
લોકોની ઉગ્ર રજૂઆત
ત્યારે બંધ વીજપોલને ચાલુ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.ઉપરાંત નગરના સેક્ટર-15, ફતેપુરા વિસ્તારમાં નમી પડેલા વીજપોલને સરખો કરવામાં આવતો નથી.
આથી રોડ ઉપરનો જ વીજપોલ નમી પડ્યો હોવાથી અવર જવર કરતા લોકોને પડી જવાની ચિંતા કોરી ખાય છે.
ત્યારે આવા જોખમી રીતે નમી પડેલા વીજપોલને સીધા તેમજ બંધ સ્ટ્રીટ લાઇટોને ચાલુ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
ત્યારે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકોની ઉગ્ર રજૂઆત છે.