માલધારીઓએ ગાય દોહીને કૂતરાંને દૂધ પાયું ચરોતરમાં 7 લાખ લિટર દૂધનો વેપાર અટક્યો
ગુજરાતીમાં એક કહેવત છે, ગાયને દોહીને કુતરાને પાયુ. જે કહેવત આજે રાજ્યમાં સાચી ઠરી છે. રખડતા ઢોરની સમસ્યા હાલ કરવા સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો હતો.
જેને રાજ્યપાલે ફેર વિચારણા માટે પરત મોંકલ્યો હતો.
પરંતુ આ કાયદાના વિરોધમાં માલધારીઓ દ્વારા આજે રાજ્યભરમાં દૂધ વેચાણનો વિરોધ કર્યો હતો.
જેના પગલે ખેડા -આણંદ જિલ્લાની દૂધ મંડળીઓમાં દૂધ ભરવાને બદલે માલધારીઓએ જરૂરિયાતમંદ લોકોને તેમજ કૂતરાને દૂધ પીવડાવી દેતા7 લાખ લીટર દૂધનો વેપાર અટકી ગયો હતો.
ઢોર નિયંત્રણ કાયદાને લઈ માલધારી સમાજના લોકોએ દૂધ આંદોલન કર્યું છે.
જેની નડિયાદ સહિત ખેડા જિલ્લામાં અસર જોવા મળી છે. આજે સવારથી જ નડિયાદ શહેરમાં દૂધની ડેરી ના શટર ડાઉન તેમજ અમૂલ પાર્લર પર દૂધ નથી ના પાટીયા જોવા મળ્યા હતા.
તો વળી સાંજના સમયે પણ દૂધ નહીં મળતા ગૃહિણીઓને રઝળવાનો વારો આવ્યો હતો.
નડિયાદ સ્થિત દુધ ડેરીના ચેરમેન મુકેશ રબારીએ જણાવ્યું હતું કે આજે ડેરી બંધ રાખી હોવાથી નડિયાદ શહેરમાં જ 10 હજાર લીટર દૂધનો વેપાર અટકી ગયો છે.
જ્યારે સમગ્ર ખેડા જિલ્લામાં માલધારી સમાજે દૂધ નહીં ભરતા 5 લાખ લીટર દૂધનું વેચાણ અટક્યું છે.
માતરમાં 1 હજાર લીટર દૂધ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને વહેંચી દેવાયું હતું.
જ્યારે મહુધામાં પણ દૂધ ડેરીમાં ભર્યૂં ન હતુ. કપડવંજ શહેરના માલધારીઓએ 2 હજાર લીટર કુતરાઓને પીવડાવી દીધું.
માલધારી સમાજના આગેવાનો નું કહેવું છે કે સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો રદ્દ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આનાથી પણ મોટું આંદોલન કરવામાં આવશે.
ખંભાત- તારાપુરની 15 દૂધ મંડળીઓમાં દૂધ ન ભરાયું
આણંદ જિલ્લામાં માલધારી સમાજની હડતાળની નહીવંત અસર જોવા મળી હતી.
માત્ર ખંભાત અને તારાપુર ગામોમાં જયાં માલધારી અને રબારીઓની વસ્તી વધારે છે.
તેવા 15 ગામોની દૂધ મંડળી બંધ રહી હતી.જયારે અન્ય તાલુકામાં માલધારીઓએ દૂધ મંડળીમાં દૂધ નભરીને વિરોધ નોંધાવ્યો છે.
જો કે આણંદ જિલ્લાની 320 વધુ દૂધ મંડળીઓમાં સામાન્ય દૂધની ઘટ જોવા મળી હતી.
જિલ્લામાં 2 લાખ લીટર દૂધ ઓછું ભરાયું છે. તે સિવાય માલધારી કે રબારી સમાજ દ્વારા કોઇ પણ પ્રકારનો વિરોધ અપનાવ્યો છે.
આમ શાંતિપૂર્ણ રીતે માલધારીઓ વિરોધ કર્યો છે.