અમદાવાદમાં રખડતા ઢોર પકડનારી ટીમનો સેનેટરી ઇન્સ્પેક્ટર ફરી લાંચ લેતા ઝડપાયો, 10 વર્ષ પહેલા પણ થઈ હતી ધરપકડ

રાજ્યમાં રખડતા ઢોર મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પર દબાણ આવતા સીએનસીડી વિભાગ દ્વારા ઢોર પકડવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર બંધ થયો નથી.
આજે કોર્પોરેશનના સીએનસીડી વિભાગમાં રખડતાં ઢોર પકડવાની કામગીરી બજાવતા સેનેટરી ઇન્સ્પેક્ટર પિયુષ વ્યાસને એસીબીએ 4500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે.
આરોપી પિયુષ વ્યાસે પશુ માલિકને ઢોર પકડવાની ધમકી આપી હતી.
આ ઉપરાંત તેના સંબંધીને પણ ધમકી આપી અને તેની પાસે લાંચ માગી હતી.
જે મામલે ઢોર માલિકે એસીબીમાં ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી પિયુષ વ્યાસ 10 વર્ષ પહેલા પણ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ચૂક્યા છે.
સેનેટરી ઇન્સ્પેક્ટર ઢોર પકડી જવાની આપતા ધમકી
અમદાવાદમાં રહેતા પશુ માલિકે એસીબીમાં ફરિયાદ કરી હતી કે, તેઓ તથા તેના સગા પશુપાલનનો ધંધો કરતા હોય અને પોતાના ઢોર પોતાના વાડામાં બાંધે છે,
પરંતુ ઘણી વખથ તેઓના ઢોરોને તેમના ઘરની આજુબાજુમાં છોડવા પડતા હોય છે.
સીએનસીડી વિભાગમાં પરજ બજાવતા સેનેટરી ઇન્સ્પેક્ટર પિયુષ વ્યાસ અવારનવાર તેઓ તથા તેમના સગાના ઢોર પકડી જવાની ધમકી આપતા હતા.
ઢોર ના પકડવા માટે હપ્તાની માંગણી ફરીયાદી પાસે મહિનાના રૂપિયા 1 હજાર તથા તેના સગા પાસે માસિક રૂપિયા 500 લેખે કુલ 11 મહિનાના રૂપિયા 5500 ની માગ કરી હતી.
પરંતુ રકઝકના અંતે રૂપિયા 3500 તેમજ ફરીયાદી પાસે ચાલુ મહિનાના રૂપિયા 1000 લેખે કુલ મળીને 4500 ની રકમ નક્કી કરી હતી.
10 વર્ષ પહેલા પણ લાંચના ગુનામાં થઈ હતી ધરપકડ
પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોય, જેથી એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા કાંકરીયા વિસ્તારમાં એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવતા આરોપી પિયુષ વ્યાસ કુલ રૂપિયા 4500 ની લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપાયા હતા.
આરોપી વર્ષ 2012 માં કારખાનાનું લાયસન્સ અને પાણીના નિકાલ બાબતે તથા આરટીઓની માહિતી પૂરી પાડી કારખાનાને લગતી કોઈ નોટિસ નહીં આપવાના બદલામાં રૂપિયા 10,000 ની લાંચ લેતા એસીબી દ્વારા પકડાયા હતા. જે ગુનામાં આ આરોપી વિરૂદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી.