દાહોદ રામાનંદ પાર્કમાં મંદિર શિલાન્યાસ પ્રસંગે યોજાનાર મહાયજ્ઞને રસ્તાનું ગ્રહણ
દાહોદમાં રામાનંદ પાર્કમાં દશેરાના દિવસથી પાંચ દિવસ સુધી અહીં બનનાર મંદિરના શિલાન્યાસ પ્રસંગે ધાર્મિક પ્રસંગો યોજાનાર છે.
જેમાં સંતો મહંતો અને નેતાઓ તેમજ શ્રધ્ધાળુઓનો જમાવડો થશે.તેવા સમયે રામાનંદ પાર્કની બાજુમાંથી પસાર થતો રસ્તો હજી સુધી પૂર્ણ ન થવાને કારણે આ કાર્યક્રમમાં તેનો ઉપયોગ થઇ શકશે નહી.
જો આ રસ્તો પૂર્ણ બની શક્યો હોત તો આ ભવ્ય યજ્ઞ પ્રસંગે તેનો લાભ થઇ શક્તો હતો.
ઉપરાંત જે તે સમયે દાહોદમાં ટ્રાફિક સમસ્યા હળવી થવાનો દાવો પણ હાલ પોકળ સાબિત થઇ રહ્યો છે.
1008 શ્રી માધવાચાર્ય સહિત 60 જેટલા સંતો, મહામંલેશ્વર ઉપસ્થિત રહેશે
દાહોદમાં વનખંડી હનુમાનજીના મંદિર પાસે આવેલા રામાનંદ પાર્કમાં બનનારા ભવ્ય મંદિરના શિલાન્યાસ પ્રસંગે તારીખ 5 ઓક્ટોબર દશેરા થી 9 ઓક્ટોબર શરદ પૂર્ણિમા સુધી પાંચ દિવસીય શ્રી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞ, અખંડ રામચરિતમાનસ પાઠ અને સંત સંમેલન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે.
જેમાં શ્રી શ્રી 1008 શ્રી માધવાચાર્ય ખાસ ઉપસ્થિત રહેનાર છે.
રોજે રોજ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે તેમજ દરરોજ સાંજે પાંચ દિવસ સુધી મહાપ્રસાદીનુ આયોજન પણ કરવામાં આવ્યુ હોવાની માહિતી રામાનંદ પાર્કના શે્રીમહંત જગદીશદાસજી મહારાજે આપી હતી.
સુંદરકાંડ તેમજ સંત સંમેલન યોજાશે અને આ દિવસો દરમિયાન 60 જેટલા સંતો,મહંતો અને મહામંલ્ડેશ્વર ઉપસ્થિત રહેવાના હોવાની માહિતી મળી છે.
યુ.પીના સી.એમ યોગી આદિત્યનાથના આગમને રાજકીય નેતાઓનો મેળાવડો જામશે
રાજકીય નેતાઓને પણ મેળાવડો જામશે.કારણ કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશિષ્ટ અતિથિ બનવાના છે.
ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ સાથે સ્થાનિક સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર તેમજ તમામ પક્ષના સ્થાનિક ધારાસભ્યો ઉપસ્થિત રહેનાર છે.
આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યના તમામ સ્થાનિક પદાધિકારીઓ અને સહકારી ક્ષેત્ર તેમજ સામાજિક અગ્રણીઓ, તબીબો તેમજ ઉચ્ચ સરકારી અધિકારીઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યા છે.
ટ્રસ્ટે કરોડોની જમીન રસ્તા માટે આપી છતાં રસ્તો કાવાદાવામાં અટવાયો ??
આટલો ભવ્યાતિભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાનાર છે ત્યારે સ્વાભાવિક રીતે જ ભાવિકોની ભીડ જામશે.તેને કારણે નાના મોટા વાહનોની આવન જાવન પણ વધશે.
ત્યારે આ પાર્કની બાજુમાંથી જ આ ટ્રસ્ટ દ્રારા જ રસ્તો બનાવવા કરોડો રુપિયાની સોનાની લગડી જેવી જમીન આપતા નવીન રસ્તા પૈકીનો એક ટુકડો બની શક્યો છે
પરંતુ ટ્રસ્ટના મહંતના જણાવ્યા અનુસાર તમામ મંજૂરીઓ મળી હોવા છતાં કોઇ સંશોધનિય કારણોસર આ રસ્તાનુ કામ અટવાઇ પડ્યુ છે.
જ્યારે ટ્રસ્ટ દ્રારા દાહોદમાં ટ્રાફિકની વિકરાળ અને કેન્સરની માફક ફેલાયેલી સમસ્યા હળવી કરવા માટે કિમતી જમીન આપી દેવા છતાં કોના દબાણમાં રસ્તાની આગળની કામગીરી અટવાઇ પડી છે
તે સંશોધનનો વિષય છે.ત્યારે આ કાર્યક્રમ દરમિયાન આ રસ્તો નવો બની ગયો હોત તો પાર્કિંગથી માંડીને વાહન વ્યવહારની સરળતા થઇ શકી હોત
તેમજ જ્યારે ને ત્યારે આ રસ્તો તેના નક્શા પ્રમાણે બનશે ત્યારે દાહોદ માટે આશીર્વાદ રુપ હશે તે નિશ્ચિત છે.
જેથી કલેક્ટર કક્ષાએથી તેની સત્યતા ચકાસી વહેલી તકે આ રસ્તાનું નિર્માણકાર્ય શરુ કરાવવુ હિતાવહ છે.