ઠાસરાના દેવપુરાની પરિણીતાને જેઠાણી, ભત્રીજા વહુ અને અન્ય એક મહિલાએ ભેગા મળી ગરમ સાણસીના ડામ આપ્યા
સમાજમાં આજે પણ કેટલાક કિસ્સાઓ એવા બને છે કે જેમા કુરિવાજો અને લોકોની માનસિકતા છતી થાય છે.
ઠાસરાના દેવપુરાની પરણીતા સંતાનના લગ્ન બાબતે ટેન્શનમાં ઘર છોડ્યુ અને 2 દિવસ બાદ સાસરે ફરીથી ફરતા જેઠાણી, ભત્રીજા વહુ અને અન્ય એક મહિલાએ ભેગા મળી પરિણીતાને ગરમ સાણસી ચાંપી ડામ આપ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ ઉપરાંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત પરણીતા 4 દિવસ બાદ ભાનમાં આવતા સમગ્ર હકીકત પોલીસ અને મામલતદારને કહેતા ઠાસરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
પરિણીતા કુટુંબી કાકા સાથે પાવાગઢ ગઈ હતી
ઠાસરા તાલુકાના દેવપુરા તાબે ઉબા ગામે વણઝારવાસમાં રહેતી પરિણીતા મજૂરી કામ કરી ગુજરાત ચલાવે છે. તેનો પતિ પણ મજુરી કામ કરે છે. પરિણીતાને સંતાનમાં ચાર દિકરાઓ છે. જેમના લગ્ન બાબતે પરિણીતા અને તેના પતિને ઘણું ટેન્શન રહે છે. આથી પરિણીતા ગઈ તારીખ 10 સપ્ટેમ્બરના રોજ પોતાના ગામેથી ડાકોર ખાતે આવી હતી અને ત્યાંથી તેમના કુટુંબી કાકા સાથે સાસરીમાં કોઈને કહ્યા વગર પાવાગઢ ચાલી નીકળી હતી.
પગ બાંધ્યા અને મોઢામાં કાપડનો ડૂચો મારી ડામ આપ્યા
આ બાદ કેસરીબેનનો ભાઈ અને કૌટુંબિક લોકો તેણીને સમજાવી બુજાવી ગત 12 સપ્ટેમ્બરના રોજ પોતાના સાસરે દેવપુરા ખાતે મૂકી આવ્યા હતા. આ બાદ આ દિવસે રાત્રિના સમયે દસેક વાગ્યાની આસપાસ પરિણીતાની ભત્રીજા વહુ, જેઠાણી તથા અન્ય એક મહિલાએ ભેગા મળીને પરિણીતાના જેઠના ઘરમાં લઈ ગયા અને આ બાદ આ ત્રણે મહિલાઓએ ભેગા મળીને પરિણીતાનાપગ બાંધી દીધા તે પછી એક મહિલાએ કપડું લાવી તેણીના મોઢામાં ડૂચો મારી દીધો હતો.
પોલીસે તપાલ હાથ ધરી
આ પછી ભત્રીજા વહુ, જેઠાણી અને અન્ય મહિલાએ મળીને વારાફતી પરિણીતાને ગરમ સાણસી વડે થાપના ભાગે ડામ આપ્યા હતાં.
અનેકવાર ડામ આપ્યા બાદ આ ત્રણેય મહિલાઓએ પરિણીતાને જણાવ્યું કે, ‘તને ઘરેથી ભાગવાનું બહુ ગમે છે તું ઘરેથી ભાગી ગઈ એટલે ગામમાં અમારી ઈજ્જત ગઈ છે
અને હવે તને બતાવીશું કે કેમ ભાગી જવાય’ તેમ કહી ડામ આપ્યા હતા.
ડામ આપ્યા બાદ તેણીને ઘરે રવાના કરી હતી. ગભરાયેલી પરિણીતાએ આ બનાવ બાબતે તે સમયે કોઈને વાત કરી નહોતી અને સખત દાઝી ગયેલી પરિણીતા સુઈ કે બેસી પણ શકતી નહોતી.
ગત 15મીના રોજ બપોર બાદ પરિણીતા બેભાન થઇ હતી. ગતરોજ 19મી સપ્ટેમ્બરના રોજ સંપૂર્ણ ભાનમાં આવતા પોતના પર થયેલી આપવિતી પોતાના પતિ, પોલીસ અને મામલતદાર સમક્ષ કહી હતી.
આથી આ સમગ્ર મામલે ડાકોર પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે તેની જેઠાણી, ભત્રીજા વહુ અને અન્ય મહિલા સામે ફરીયાદ નોધી વધુ તપાસ હાથ દીધી છે.