મધ્યસ્થ જેલમાં સગીરાના અપહરણના ગુનામાં સજા કાપી રહેલા કેદીએ ટુવાલથી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો
સગીરાના અપહરણ કરવાના ગુનામાં પકડાયેલા અને બે માસથી રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કાચા કામના કેદી દિપક દિનેશભાઇ ચારોલીયા (ઉં.વ.19) આજે વહેલી સવારે જેલની અંદર બાથરૂમમાં જઇ ટુવાલ વડે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
મૃતક આરોપીને અમદાવાદથી પકડી લેવામાં આવ્યો હતો
ગોંડલ રોડ પર લોહાનગર નજીકના વિસ્તારમાં રહેતી સગીરાને દિપક દિનેશભાઇ ચારોલીયા અપહરણ કરીને લઇ ગયો હતો.
પોલીસે બનાવના બીજા દિવસે અમદાવાદમાં ઇસ્કોન ચોકડી નજીકથી દિપકને પકડી લીધો હતો
તેમજ તરૂણીનો કબ્જો તેના પરિવારને સોંપ્યો હતો.
અપહરણના ગુનામાં પકડાયેલા દિપક ચારોલીયાને 7 જુલાઈના રોજ જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો
જેલમાં કેદીઓને સમયાંતરે પરિવારના સભ્યો સાથે મુલાકાતની મંજૂરી આપવામાં આવે છે
એ મુજબ કેદી દિપકના કાકા કાળુભાઇ પત્ની સાથે આજે સવારે જેલ ખાતે ભત્રીજાને મળવા પહોંચ્યા હતા.
ત્યારે દિપકે વહેલી સવારે બાથરૂમમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાની માહિતી આપી હતી.
તેમજ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હોવાની માહિતી આપતા હોસ્પિટલ પહોંચ્યા હતા.
જો કે, કેદીએ ક્યા કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
કોલેજીયન યુવતીએ એસિડ પી આપઘાત કર્યો
રાજકોટના રૈયા રોડ પર આવેલી અક્ષત હોસ્ટેલમાં રહી એચ.એન. શુક્લા કોલેજમાં બી.કોમના પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી રિદ્વિ રાજેન્દ્રભાઈ જાખરીયા (ઉં.વ.19)એ બે દિવસ પહેલા એસિડ પી લેતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
અહીં તેનું સારવાર દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે મોત નીપજ્યું હતું. રિદ્ધિ એક ભાઈની એકની એક બહેન હતી.
તેણીએ શા માટે આ પગલું ભરી લીધું તેનું કારણ જાણી શકાયું નથી.
હાલ આ અંગે ગાંધીગ્રામ પોલીસના હેડ કોન્સ્ટેબલ હંસરાજભાઈ ઝાપડા સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.
આઠમાં માળની ગેલેરીમાંથી મહિલા પટકાતા મોત
રાજકોટના માધાપર ચોક નજીક પોસ્ટ ઓફિસ સામે ગોલ્ડન પોર્ટિકો ખાતે ફ્લેટ નં. સી-801માં રહેતી મધુબેન પ્રકાશ ગોહેલ (ઉ.25) નામની પરિણીતાનું સાંજે આઠમા માળની ગેલેરીમાંથી પડી જતાં મોત નીપજ્યું હતું.
મધુબેન ગોહેલને ગંભીર ઇજા સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ અહીં તબીબે મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.
મધુબેન ગેલેરીમાં કપડા સુકવતા હતા
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મધુબેન ગેલેરીમાં કપડા સુકવતા હતાં
ત્યારે અકસ્માતે લપસી પડતાં આ બનાવ બન્યો હતો. તેણીના પ્રકાશ ગોહેલ સાથે અગિયાર મહિના પહેલા બીજા લગ્ન થયા હતાં.
સંતાનમાં આગલા ઘરની એક દીકરી છે. પ્રકાશના પણ આ બીજા લગ્ન છે.
બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ આકસ્મિક જ છે કે અન્ય કઈ બન્યું? તેની પણ વધુ તપાસ થઇ રહી છે.
ઘરેલું હિંસામાં પતિને 17 દિવસની સાદી કેદની સજા
રાજકોટ શહેરના હિનાબેન સોહીલભાઇ લાલાણીએ તેમના પતિ સોહીલ સામે ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો.
બાદમાં ભરણ પોષણની અરજી કરતા કોર્ટે હિનાબેનનું રૂ.5000 અને સગીર પુત્ર સેહાનને માસિક રૂ.3000 એમ કુલ મળી રૂ.8000 ભરણ પોષણ પેટે ચૂકવવા હુકમ કર્યો હતો,
જો કે, પતિ સોહીલ સુલતાનભાઇ લાલાણી કોર્ટમાં હાજર થતા ચડત ભરણ પોષણના રૂ.11000 ભરવા અદાલતે હુકમ કર્યો હતો.
સોહિલે કોર્ટ સમક્ષ રૂપિયા ભરવાની અસમર્થતા દેખાડતા કોર્ટે તેને 17 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.