માંડવીના વરેલીમાં ખેતરમાંથી પસાર થતો વીજ તાર અચાનક તૂટીને પડ્યો; યુવકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત

માંડવીના વરેલી ગામની સીમમાં આવેલ ખેતરમાં ખેત મજૂરી કરતા યુવાનને વીજ કરંટ લાગ્યો હતો.
કેળના પીલા કાપવાનું કામ કરતા વરેહ ફળિયાના 19 વર્ષીય યુવાનને ખભાના ભાગે વીજ કંપનીના વીજ લાઈનનો કરંટ લાગતા ગંભીર રીતે દાજી જતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
વીજ કંપનીનો તાર અચાનક તૂટીને પડ્યો
ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ માંડવી તાલુકાના વરેલી ગામે વરેહ ફળિયામાં રહેતો 19 વર્ષીય યુવાન વિષ્ણુ અંબુભાઈ રાઠોડ ખેત મજૂરી કરે છે.
જે યુવાન વરેલી ગામની સીમમાં આવેલ ભાવેશ સુરેન્દ્રસિંહ મહિડાનાં ખેતરમાં ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
વિષ્ણુ રાઠોડ આજરોજ ખેતરમાં કેળાનાં પીલા કાપવાનું કામ કરી રહ્યો હતો.
તે દરમિયાન ખેતરમાંથી પસાર થતો વીજ કંપનીનો તાર અચાનક તૂટીને પડ્યો હતો.
જે વીજ તારનો કરંટ યુવાન વિષ્ણુને ખભાનાં ભાગે લાગતા યુવાન ગંભીર રીતે દાજયો હતો.
ત્યારે તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
સમગ્ર મામલે માંડવી પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી યુવાનના મૃતળેહનો કબ્જો લઈ તેના પિતા અંબુભાઈ રાઠોડની ફરિયાદ લઈ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.