માલપુર તાલુકામાં પોલિયો રસીકરણ અભિયાનનો સફળ પ્રારંભ: બે દિવસમાં ૧૨,૧૨૮ બાળકોને સુરક્ષા કવચ અપાયું…

ભારતમાંથી પોલિયો સંપૂર્ણપણે નાબૂદ થયા બાદ દેશમાં ફરી એક પણ નવો કેસ ન નોંધાય તેવા ઉમદા હેતુથી સરકારશ્રી દ્વારા
પોલિયો રસીકરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.
આ અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી માલપુર હસ્તકના ક્ષેત્રીય વિસ્તારમાં સઘન પોલિયો રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
પ્રથમ દિવસે બુથ પર અભૂતપૂર્વ પ્રતિસાદ..
અભિયાનના પ્રથમ દિવસે માલપુર તાલુકાના ક્ષેત્રીય વિસ્તારમાં કુલ ૬૧ પોલિયો બુથ કાર્યરત કરવામાં આવ્યા હતા.
આ કામગીરીને સફળ બનાવવા માટે ૧૨૨ ટીમો તૈનાત કરવામાં આવી હતી.
આરોગ્ય કર્મચારીઓ અને સ્થાનિકોના સહયોગથી પ્રથમ દિવસે જ તાલુકાના ૧૧,૩૯૬ બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપાં પીવડાવીને આવરી લેવામાં આવ્યા હતા.

બાકી રહી ગયેલા બાળકો માટે ‘ઘર-ઘર’ મુલાકાત..
જે બાળકો કોઈ કારણસર પ્રથમ દિવસે બુથ સુધી પહોંચી શક્યા ન હતા,
તેવા તાલુકાના કુલ ૧,૧૪૮ બાળકોને શોધીને રસી આપવા માટે આરોગ્ય વિભાગે બીજા દિવસે કમર કસી હતી:
બીજા દિવસની કામગીરી:
આરોગ્ય કર્મચારીઓએ ઘરે-ઘરે ફરીને વધુ *૭૩૨ બાળકોને* પોલિયોની રસી આપી સુરક્ષિત કર્યા હતા.
ત્રીજા દિવસનું આયોજન:
હજુ પણ બાકી રહી ગયેલા ૪૧૬ બાળકોને ત્રીજા દિવસે આરોગ્ય કર્મચારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ રસીથી આવરી લેવામાં આવશે,
જેથી તાલુકાનું એક પણ બાળક રસી વગર વંચિત ન રહે.
આંકડાકીય ઝાંખી:
માલપુર તાલુકા હસ્તકના કુલ ૧૨,૫૪૪ લક્ષિત બાળકોમાંથી શરૂઆતના માત્ર બે દિવસના અંતે જ ૧૨,૧૨૮ બાળકોને પોલિયોની રસીથી સફળતાપૂર્વક આવરી લેવામાં આવ્યા છે.
આરોગ્ય તંત્રની આ સરાહનીય કામગીરીને પગલે વાલીઓમાં ભારે સંતોષ જોવા મળી રહ્યો છે.
