અમદાવાદમાં ટ્રાફિકજામ ટાળવા પાર્કિંગ વ્યવસ્થા ન હોય તો મોલે પ્લોટ ખરીદવા કે ભાડે રાખવા પડશે
દિવાળીમાં મોલમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા જતા હોવાથી પાર્કિંગ, સિક્યુરિટી, મહિલાઓની સુરક્ષા તેમજ સીસીટીવીના મુદ્દે પોલીસે મોલ સંચાલકો સાથે મીટિંગ યોજી હતી.
જેમાં ઘણા બધા મોલમાં પાર્કિંગની વ્યવસ્થા નહીં હોવાનો સૂર નીકળ્યો હતો.
જે મુદ્દે પોલીસે સંચાલકોને સ્પષ્ટ કહ્યું કે, તમારી પાસે પાર્કિંગની વ્યવસ્થા ન હોય તો નવા પ્લોટ ખરીદો કે ભાડે રાખો
પરંતુ ટ્રાફિકની સમસ્યા કોઈપણ હિસાબે સર્જાવી જોઈએ નહીં.
આ ઉપરાંત મોલના પાર્કિંગમાં તેમજ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ ઉપર સિક્યુરિટી ગાર્ડ તહેનાત કરવા તેમજ સીસીટીવી કેમેરા લગાવવા સૂચના આપી હતી.
તેમાં પણ ખાસ કરીને મહિલાઓ સાથે છેડતી ઘટના ન બને તે માટે તકેદારી રાખી મહિલા સુરક્ષા ગાર્ડ પણ પૂરતા પ્રમાણમાં રાખવા સૂચના આપી હતી.
ટ્રાફિક શાખાના સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, શનિ-રવિમાં બજારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા નીકળશે જેના કારણે મોલમાં ભીડ રહેશે.
મોલ પાસે પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે મોલના સંચાલકો સાથે મીટિંગ યોજી હતી.
પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા, સિક્યુરિટી ગાર્ડ રાખવા, સીસીટીવી લગાવવા ઉપરાંત સુરક્ષા અંગે તકેદારી રાખવા સૂચના આપી હતી.
તમામ ચારરસ્તે પોલીસ મૂકી દેવાઈ
દિવાળીના તહેવારમાં બજારમાં થયેલી ભીડના કારણે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે તમામ ચારરસ્તા ઉપર પોલીસ મૂકી દેવાઈ છે.
તેમાં ટ્રાફિક પોલીસ ઉપરાંત હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોની પણ મદદ લેવામાં આવી છે.
આ ઉપરાંત જે પણ જગ્યાએ ટ્રાફિક જામ થઈ રહ્યા છે
તે દુકાનોના માલિકોને પોલીસ દ્વારા કડક સૂચના આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત મોલ તેમજ શોપિંગ સેન્ટરોની બહાર ઊભા રહેતા લારી-ગલ્લાઓના કારણે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી
તેમને રોડની સાઈડમાં અંદર અથવા તો ગલીમાં લારી ઊભી રાખવા સૂચના અપાઈ છે.
ખરીદી માટે લોકોનો ભારે ધસારો, વાહનો રોડ પર પાર્ક થઈ ગયાં
સોમવારે દિવાળી પહેલાં શહેરભરના બજારો, શોપિંગ મોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ પર મોટી સંખ્યામાં ખરીદી માટે લોકોની ભીડ થઈ રહી છે.
અનેક મોલ અને કોમ્પ્લેક્સ પાસે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે લોકો રોડ પર વાહનો મૂકતા હોવાથી ટ્રાફિકજામ થાય છે.
ગુરુકુળ રોડ પર ગુરુવારે આવી સ્થિતિ હતી.