પાલિકા કર્મીઓની માગણી નહીં સ્વિકારાય તો લડત ઉગ્ર બનાવશે
![પ્રતીકાત્મક તસવીર:પાલિકા કર્મીઓની માગણી નહીં સ્વિકારાય તો લડત ઉગ્ર બનાવશે](https://cpnews24.in/wp-content/uploads/2022/10/13-9.webp)
નગરપાલિકાના કર્મચારીઓના વણઉકેલ્યા પડતર પ્રશ્નો ઉકેલવા અને વહિવટી સુધારણાઓ કરવા ગત વર્ષ-2015થી અનેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી રહી છે.
તેમ છતાં કોઇ જ ઉકેલ નહી આવતા કર્મચારીઓની લડતને ઉગ્ર બનાવશે.
જેમાં પાણી સપ્લાય અને વીજ સપ્લાય બંધ કરવા છતાં ઉકેલ નહી આવે તો તમામ સેવાઓ સ્થગિત કરવાની ચીમકી પાલિકા કર્મચારી મહામંડળે ઉચ્ચારી છે.
રાજ્યભરની 157 નગરપાલિકાના 1.80 લાખ જેટલા કર્મચારીઓના પ્રશ્નો ઉકેલ લાવવા માટે ગત વર્ષ-2015થી લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી રહી છે.
તેમ છતાં કોઇ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી. વધુમાં નગરપાલિકાના કર્મચારીઓના પ્રશ્નોના મામલે ગત તારીખ 27મી, ફેબ્રુઆરી-2017ના રોજ મહામંડળ દ્વારા પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
ઉપરાંત શહેરી વિકાસ વિભાગના નિયામક સાથે કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે પાંચ કલાક સુધી ચર્ચા કરાઇ હતી.
ત્યારબાદ સૈદ્ધાંતિક સ્વિકાર કર્યા પછી નિર્ણય કરવા માટે બે માસનો સમય મગાયો હતો.
પરંતુ બે માસ પછી પણ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા જ નહી.
નગરપાલિકાના કર્મચારીઓના પ્રશ્નો ઉકેલમાં આજદિન સુધી કોઇ જ નક્કર નિર્ણય કરવામાં નહી આવતા આર યા પારની લડાઇ લડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જેમાં તારીખ 17મી, સોમવાર સુધીમાં પેન ડાઉન, તારીખ 18મી, મંગળવારે નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠો સપ્લાય બંધ કરવામાં આવશે.
તારીખ 19મી, બુધવારે સ્ટ્રીટ લાઇટનો પુરવઠો બંધ કરાશે.
તારીખ 20મી, ગુરૂવારે સફાઇને લગતી કામગીરી બંધ તેમ છતાં ઉકેલ નહી આવે તો તારીખ 21મીથી આવશ્યક સેવાઓને લગતી તમામ કામગીરી બંધ કરાશે.