દાહોદ જિલ્લામાં બે સ્થળેથી થેલામાં દારુ લઈ જતી ચાર મહિલાઓ ઝડપાઈ

દાહોદ જિલ્લામાં પોલીસે ત્રણ જુદી જુદી જગ્યાએ દરોડા પાડ્યા હતા.
જેમાં કુલ રૂા. 2,02,327ના દારૂના જથ્થા સાથે બે મોટરસાઈકલો તેમજ ત્રણ ઈસમો નાસી જવામાં સફળ રહ્યાંનું જ્યારે ચાર મહિલાઓની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
બુટલેગરો બાઈક મુકી ફરાર થઈ ગયા
પોલીસે પ્રથમ દરોડો દેવગઢ બારીઆ તાલુકાના પાંચીયાસાળ ગામે પાડ્યો હતો.
જેમાં સાગટાળા પોલીસને મળેલી બાતમીના આધારે પાંચીયાસાળ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી રહી હતી.
તે સમયે બાતમીમાં દર્શાવેલી બે મોટરસાઈકલો ત્યાંથી પસાર થતાં પોલીસને દુરથી જોઈ બંન્ને મોટરસાઈકલો પર સવાર કલસિંગભાઈ ગોહાયભાઈ કનેશ તથા તેની સાથેના બીજા બે ઈસમો સ્થળ પર બંન્ને મોટરસાઈકલો મુકી નાસી ગયાં હતાં.
પોલીસે બંન્ને મોટરસાઈકલોને કબજે લઈ તેની ઉપરથી કંતાનના થેલમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. 828 કિંમત રૂા. 1,33,740નો જથ્થો જપ્ત કર્યો હતો.
ફરાર ત્રણેય ઈસમો વિરૂધ્ધ સાગટાળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હવે મહિલાઓ પણ દારૂની હેરાફેરીમાં સક્રિય
બીજો બનાવ લીમખેડા તાલુકાના દાંતીયા ગામે બન્યો હતો.
મધુબેન મેસુલભાઈ ડામોર (રહે. મોટીખરજ, ડામોર ફળિયુ, તા.જિ.દાહોદ) અને આશાબેન રાહુલભાઈ રામચંદભાઈ ડામોર (રહે. દેવધા, નિશાળ ફળિયું, તા.ગરબાડા, જિ.દાહોદ) બંન્ને મહિલાઓ દાંતીયા ગામે પોતાની સાથે થેલાઓમાં વિદેશી દારૂ લઈ ઉભી હતી.
તે સમયે ત્યાંથી પસાર થતી લીમખેડા પોલીસને શંકા જતાં પોલીસે ઉપરોક્ત બંન્ને મહિલાઓ પાસે જઈ તેઓના થેલાઓની તલાસી લેતાં પોલીસે થેલાઓમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. 288 કિંમત રૂા. 30,816નો જથ્થો મળી આવ્યો હતો.
બંન્ને મહિલાઓની અટકાયત કરી લીમખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સામાનની માફક દારુ લઈ જવાય છે
ત્રીજો બનાવ લીમખેડા નગરના શાસ્ત્રી ચોક ખાતે બન્યો હતો. શાસ્ત્રી ચોક ખાતે કલાબેન આકાશભાઈ ડામોર (રહે. દેવધા, નિશાળ ફળિયું, તા.ગરબાડા, જિ.દાહોદ) અને શીતબેન મનાભાઈ ડામોર (રહે. દેવધા, નિશાળ ફળિયુ, તા.ગરબાડા, જિ.દાહોદ) પોતાની સાથે થેલાઓમાં વિદેશી દારૂનો જથ્થો લઈ ઉભા હતાં.
તે સમયે ત્યાંથી પસાર થતી પોલીસે બંન્ને મહિલાઓ પાસે જઈ તેઓની પાસેના થેલાઓની તલાસી લીધી હતી.
પોલીસે તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. 353 કિંમત રૂા. 37,711ના જથ્થા બંન્ને મહિલાઓની અટકાયત કરી લીમખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.