કાળમુખી ટ્રક પરિવારને ભરખી ગઈ, મા-બાપ અને પુત્રને કચડી મારી ડ્રાઈવર ફરાર, રોડ પર પરિવારનાં છુંદાયેલાં માથાં અને લોહી જ લોહી

મહિસાગર જિલ્લાના બાલાસિનોર બસ સ્ટેશન આગળથી પસાર થતા હાઇવે રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને ટ્રક ડ્રાઈવરે કચડી નાખ્યાં હતાં.
બસ સ્ટેશન આગળના રોડ પરથી પસાર થતી એક માલવાહક ટ્રક અને બાઈકનો અકસ્માત સર્જાયો હતો,
જેમાં ટ્રક નીચે બાઇક આવી જતાં બાઇક સવાર પતિ-પત્ની અને તેમના એક ત્રણ વર્ષના બાળકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
એક ભૂલ, ત્રણ મોત
ટ્રકનું ટાયર આખા પરિવાર પર ફરી વળ્યું ને એક જ ઝાટકે આખો પરિવાર મોતને ભેટી ગયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર પરિવાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થેડકા ગામનો વતની હોવાનું હાલમાં માલુમ પડ્યું છે.
તેઓ અમદાવાદ તરફ મજૂરી કામ અર્થે જઈ રહ્યા હોવાનું પ્રાથમિક માહિતીમાં માલુમ પડ્યું છે.
ત્રણને કચડી ટ્રક ડ્રાઈવર ફરાર
ત્યારે સમગ્ર ઘટનામાં હાલ ટ્રક ચાલક સ્થળ પર જ ટ્રક મૂકીને ફરાર થઇ ગયો છે.
ત્યારે બાલાસિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર બનાવ અંગેની તપાસ હાથ ધરી છે
અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે બાલાસિનોરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરી છે.
અકસ્માતના સ્થળે લોકટોળાં ઉમટ્યાં
ગમખ્વાર અકસ્માત સર્જતાં આસ પાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા
અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી
અને પોલીસ પણ બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે આવી પોહચી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે.