ચૂંટણીની ટિકિટોની વહેંચણી પહેલાં સરકાર બોર્ડ નિગમોમાં 100 નેતાની નિમણૂક કરશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સિનિયર નેતાઓની મોટાપાયે બાદબાદી થઇ જાય તે સંભવ છે.
આગામી 27 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી ત્રણ દિવસ માટે નિરીક્ષકો દરેક બેઠકનો પ્રવાસ કરીને ઉમેદવારી કરવા ઇચ્છાતા લોકો પાસેથી રજૂઆતો સાંભળશે.
આ પછી ભાજપના સંસદીય દળની બેઠક મળશે અને ચૂંટણીના જૂજ દિવસ બાકી હોય ત્યારે ટિકિટો જાહેર થશે.
જો કે ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહેલા નેતાઓ નારાજ ન થાય
અને તેમને સાચવી લઇ ચૂંટણીમાં તેમનો સહયોગ મેળવી શકાય
તેવા વ્યૂહ સાથે હવે ભૂપેન્દ્ર પટેલની સરકાર અમુક દિવસોમાં જ સરકારી બોર્ડ અને નિગમોમાં રાજકીય નિમણૂકો કરવા જઇ રહી છે.
સરકારી બોર્ડ અને નિગમોમાં રાજકીય નિમણૂકો
ભાજપના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર દિવાળી પહેલાં જ આ નિમણૂકો થઇ જાય તે સંભવ છે.
ગુજરાત ભાજપના નાના-મોટાં અને તમામ જ્ઞાતિ-જાતિ અને વિસ્તારના મળીને 100 જેટલાં નેતાઓના નામની યાદી બનાવી દેવાઈ છે.
તેમને સરકારના વિવિધ બોર્ડ નિગમમાં તેમના રાજકીય કદ અનુસાર અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને ડિરેક્ટર તરીકે નિમણૂક મળી શકે છે.
સૂત્રોના જણાવ્યાં આનુસાર બોર્ડ નિગમમાં નિમણૂકો માટે દિલ્હીમાં તખ્તો ઘડાયો હતો.
ગયા અઠવાડિયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પાટીલ,મુખ્ય અગ્ર સચિવ વડાપ્રધાનને મળવા માટે ગયા હતા.
નિગમના કર્મચારીઓ આંદોલનને ઉગ્ર બનાવશે
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજય બોર્ડ-નિગમ કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના વિવિધ પ્રશ્નોને લઇને રાજય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.
આમ છતાં તેમના પ્રશ્નો ન ઉકેલાતા તેમણે આંદોલન ચાલુ રાખ્યું હતું.
આ આંદોલન સતત ચાલુ રાખ્યા પછી દિવાળીના તહેવારો આવતા કર્મચારીઓએ ચૂંટણીની આચારસંહિતા જાહેર થાય
તે પહેલા દિવાળી પછી આંદોલન ફરી વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરી છે.
રાજ્ય સરકારના બોર્ડ-નિગમ અને નગરપાલકિાના કર્મચારીઓની સાતમા પગાર પંચની માગણી છે.
કર્મચારીઓએ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આંદોલન તહેવારો પૂરતું મોકૂફ રાખ્યું છે.
દિવાળી બાદ ઉગ્ર આંદોલન કરવાની કર્મચારીઓએ જાહેરાત કરી છે.