મહેસાણામાં રહેતા પુત્રને વિદેશી મોકલ્યા બાદ સસરા અને દિયરે પરિણીતાને ગુપ્તાંગ અને પેટમાં લાતો મારી

બે દીકરીઓને જન્મ આપનાર પરિણીતા પુત્રને જન્મ આપી ન શકતાં પતિ સહિત સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
એ તો ઠીક પુત્રની ઘેલછામાં આંધળા બનેલા સાસરિયાઓએ પુત્રને વિદેશમાં મોકલી દીધો હતો
અને તે બાદ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યો હતો.
પરિણીતાએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, સાસરિયાઓની ઇચ્છા પૂરી કરી ન શકતાં સસરા અને દિયર વાળ પકડીને ગુપ્તાંગ અને પેટમાં લાતો મારતા હતા.
નોકરી અંગે પણ પરિણીતા પૂછી શકતી નહોતી
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતાં કોમલબહેને (નામ બદલ્યું છે) મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સમાજના રીતિરિવાજ મુજબ વર્ષ-2016 દરમિયાન મારાં લગ્ન શૈલેષ વિઠ્ઠલભાઈ લુહાર (રહે. મહેસાણા ) સાથે થયાં હતાં.
લગ્ન બાદ સાસરિયાઓ અવારનવાર દહેજની માંગ કરતાં હતાં.
પતિ છેલ્લાં આઠ વર્ષથી અમદાવાદની કંપનીમાં નોકરી કરવા છતાં વેતન સહિતની કોઈપણ જાણકારી મને આપતા ન હતા.
પતિને જોબ અને વેતન સંદર્ભે પૂછતા તારો એ જાણવાનો કોઈ અધિકાર નથી તેમ જવાબ મળતો હતો.
ઘરની સફાઈ કરતા કરંટ લાગ્યો
ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, સાસુ અને નણંદ પણ પતિની કાન ભંભેરણી કરી ઝઘડા કરાવતા હતા.
બાથરૂમ સફાઈ સમયે કરંટ લાગતા મેં બચાવ માટે બૂમો પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહોતું અને માંડ માંડ મારો જીવ બચાવ્યો હતો.
તે સમયે જમણો હાથ કામ કરવાનો બંધ થઈ ગયો હતો.
અવારનવાર ઝઘડા અને સમાધાન બાદ પણ સાસરિયાઓમાં કોઈ સુધારો આવ્યો ન હતો.
મને સંતાનમાં દીકરી હોવાથી ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા હતા. પરંતુ, હું મૂંગા મોઢે સહન કરતી હતી.
દીકરીને આશ્રમમાં મૂકી આવવાની ધમકી
દરમિયાન બીજી પુત્રીનો જન્મ થતાં સાસરિયાઓએ જણાવ્યું કે, જો તું દીકરો અમને નહીં આપે તો શૈલેષનાં બીજા લગ્ન કરાવીશું.
પતિએ મને થપ્પડ મારતા મારા કાન અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું
અને હું બેભાન અવસ્થામાં ફસડાઈ પડતા સાસરિયાઓએ બારીબારણા બંધ કરી મને બેલ્ટ વડે ખૂબ માર માર્યો હતો.
સસરા અને દિયરે વાળ ખેંચી પેટમાં અને પ્રાઇવેટ પાર્ટ ઉપર ખૂબ લાતો મારી હતી
અને ઘટના અંગે કોઈને જાણ ના કરું તે માટે મોબાઈલ પણ આંચકી લીધો હતો
અને જો પોલીસને જાણ કરી તો તારી મોટી દીકરીને આશ્રમમાં મૂકી આવીશું તેવી ધમકી આપી હતી.
બંને દીકરીઓ સાથે વડોદરા મૂકી ગયાં
પરિણીતા કોમલબહેને જણાવ્યું હતું કે, માર્ચ માસમાં મને બંને દીકરીઓ સાથે વડોદરા મૂકી ગયાં બાદ તેડવા આવ્યાં નથી અને મારી જાણ બહાર પતિને અન્ય સ્ત્રી સાથે લગ્ન કરાવવાના ઈરાદાથી યુ.કે.મોકલી આપ્યો હતો.
જ્યાંથી પતિ અન્ય યુવતીઓ સાથેના ફોટો શેર કરી માનસિક ત્રાસ આપે છે.
સાસરિયાઓનો ત્રાસ સહન ન થતાં આખરે કોમલે મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધી પતિ, સાસુ. સસરા, નણંદ અને દિયર સહિત છ સામે ફરિયાદ નોંધાવી છે.
મહિલા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.