ગાંધીનગરના થનગનાટમાં ગરબા જોવા ગયેલા કારકુનનાં ખિસ્સામાંથી ગઠિયો મોબાઇલ સેરવીને રફુચક્કર
ગાંધીનગરના સેકટર – 6 માં થનગનાટનાં ગરબા જોવા માટે ગયેલા શહેરી વિકાસ અને શહેરી ગ્રહ નિર્માણ વિભાગનાં કારકુન ના ખિસ્સામાંથી ગઠિયો ભીડનો લાભ ઉઠાવી 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન સેરવી ને રફુચક્કર થઈ ગયો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
થનગનાટનાં પ્રવેશદ્વાર આગળ પુષ્કળ ભીડ જામી હતી
ગાંધીનગરના પેથાપુર મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને સચિવાલય ખાતે શહેરી વિકાસ અને શહેરી ગ્રહ નિર્માણ વિભાગમાં કારકુન તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ મનોજભાઇ સોલંકી ગત તા. 30 મી સપ્ટેમ્બરના રોજ પત્ની અને દીકરા ને લઈને થનગનાટના ગરબા જોવા માટે ગયા હતા. ત્યારે થનગનાટનાં પ્રવેશદ્વાર આગળ પુષ્કળ ભીડ જામી હતી.
ભીડનો લાભ ઉઠાવી ગઠિયો મોબાઇલ ચોરીને ફરાર
ત્યારે થનગનાટ પાર્ટી પ્લોટના મુખ્ય પ્રવેશદ્વારથી તેઓ અંદર પ્રવેશી રહ્યા હતા.
એ દરમ્યાન ભીડના કારણે ધક્કા મૂકી થઈ હતી. જેનો લાભ ઉઠાવી કોઈ ગઠિયો ધર્મેશભાઈનાં ખિસ્સામાંથી 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન સેરવીને રફુચક્કર થઈ ગયો હતો
થોડીવાર બાદ પાર્ટી પ્લોટની અંદર પ્રવેશ કરી ધર્મેશભાઈએ ખિસ્સું ચેક કરતાં મોબાઇલ ફોન જણાઈ આવ્યો ન હતો.
બાદમાં ધર્મેશભાઈએ આસપાસના સ્થળે તપાસ શરૂ કરી હતી.
પરંતુ મોબાઇલ મળી આવ્યો ન હતો.
આખરે ધર્મેશભાઈએ ફરિયાદ આપતા સેકટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.