2 વર્ષ પહેલાના ઝઘડાની અદાવતમાં યુવકને છરી મારી મોતને ઘાટ ઉતાર્યો

બે વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં સરસપુર આચાભાઈની ચાલી પાસે પાનના ગલ્લે એક યુવક પર બે વ્યક્તિઓએ છરીથી હુમલો કર્યો હતો.
આ યુવકને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડ્યા બાદ ટૂંકી સારવારના અંતે તેનું મોત થયું હતુ.
આ મામલે શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સરસપુરની આચાભાઈની ચાલીમાં રહેતા સુરેશભાઈનો 22 વર્ષીય પુત્ર પવન શનિવારે ગરબા રમવા ગયો હતો.
રાત્રે ઘરે આવી પડી જતાં પિતા સુરેશભાઈ જાગી ગયા અને જોયું તો પવનને છાતીના ભાગે છરીના ઘા મારેલા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતો.
જે અંગે પિતાએ પૂછતાં પવને કહ્યું કે પાનના ગલ્લે કેતન પરમાર તથા તેનો મિત્ર ભાવિક ઉર્ફે ભાવાએ ઝઘડો કરીને છરીના ઘા મારીને જતા રહ્યા હતા.
ત્યાર બાદ પિતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા,
જો કે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે પવનને મૃત જાહેર કર્યો હતો.
આ મામલે મૃતક પવનના પિતા સુરેશભાઈએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં કેતન પરમાર અને ભાવિન ઉર્ફે ભાવાના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીનો ભાઈ કોન્સ્ટેબલ હોવાથી ગુનો નોંધતા ન હોવાની વાતથી ટોળું પોલીસ સ્ટેશન પહોચ્યું
આરોપી કેતન પરમારનો ભાઈ દીપક પરમાર બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી હોવાથી શહેરકોટડા પોલીસ ફરિયાદ નહીં નોંધે તેવુ માનીને 40 થી 50 લોકોનું ટોળુ શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું.
બાદમાં પોલીસ સ્ટેશનમાં હંગામો કરવા લાગ્યું હતુ. જો કે પોલીસ સ્ટેશનના પીઆઈએ આ મામલે ફરીયાદ નોંધાઈ ગઈ તથા આરોપીની પણ ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતુ.
જેથી મૃતકના પરિવારજનોએ અંતિમક્રિયા કરી હતી.