તામિલનાડુથી ભારત પ્રવાસે નીકળેલ વૃદ્ધાને ગાંધીનગરમાં કડવો અનુભવ થયો, અક્ષરધામ મંદિર પાસેથી દોઢ લાખના દોરાની લૂંટ કરી બે લૂંટારૃ ફરાર
ભારત પ્રવાસે નીકળેલ તામિલનાડુની 61 વર્ષના વૃદ્ધાને ગાંધીનગરનો કડવો અનુભવ થયો છે.
સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર બહાર યાત્રાળુઓથી ભરચક રહેતાં રોડ પર બાઈક પરથી ઉતરીને એક ચેઈન સ્નેચર વૃદ્ધાનાં ગળામાંથી રૂ. 1.50 લાખની કિંમતનો ત્રણ તોલાનો દોરો લૂંટી લઈ દોડીને પાછો બાઈક પર બેસીને સાગરિત સાથે પલાયન થઈ ગયો હોવાની ફરિયાદ સેકટર 21 પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે.
અક્ષરધામ મંદિરના વીઆઇપી પાર્કિંગ સામેના રોડ પરથી સોનાના દોરાની લૂંટ
ગાંધીનગરના સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર પરના આતંકી હુમલા પછી અહીંનાં વિસ્તાર ની ચારેય દિશાઓ સીસીટીવીથી સજ્જ કરીને સઘન પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે.
તેમ છતાં ગઈકાલે સાંજના સમયે અક્ષરધામ મંદિરના વીઆઇપી પાર્કિંગ સામેના રોડ પરથી સોનાના દોરાની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે.
તામીલનાડુનાં એચ.કે. પુસ્વામી સ્ટ્રીટ, સ્ટુઅર્ટપેટ, એરાકોન્નમ, વેલ્લોર ખાતે રહેતાં સરસ્વતી કે.આર. વ્યંકટેશ્વર ગત તા. 22 મી સપ્ટેમ્બરે ધરતી ટ્રાવેલ્સની બે બસોમાં સિત્તેર જેટલા પ્રવાસીઓ તામીલનાડુથી ભારતના પ્રવાસે નીકળ્યા હતા.
ગઈકાલે યાત્રાળુઓ અક્ષરધામ મંદીર આવ્યા હતા
ગઈકાલે સાંજના છએક વાગે ગાંધીનગર અક્ષરધામ મંદીર ખાતે આવ્યા હતા.
બાદમાં ટ્રાવેલ્સની બસ અક્ષરધામ મંદીરના પાર્કીંગમાં પાર્ક કરીને બધા પ્રવાસીઓ અક્ષરધામ મંદીરમાં દર્શન કરવા માટે ગયા હતા.
જ્યાં દર્શન કરી મંદીરની બહાર નીકળી બધા પાર્કીંગ તરફ જઈ રહ્યા હતા.
તે વખતે સરસ્વતીબેન સાથે ડી.મહાપ્રિયા તથા એન.સાબીથા તથા ડી.કોકીલા પણ ચાલતા ચાલતા જતા હતા.
વી.આઇ.પી. પાકીંગના ગેટ સામે રોડ ઉપર બાઇક લઈને બે ચેઇન સ્નેચરો આવ્યા
આ દરમ્યાન વી.આઇ.પી. પાકીંગના ગેટ સામે રોડ ઉપર બાઇક ઉપર બે ઈસમો આવ્યા હતા.
જે પૈકી પાછળ બેસેલ ઇસમ બાઇક ઉપરથી ઉતરી સરસ્વતીબેન પાસે ગયો હતો.
અને અચાનક તેમના ગળામાં પહેરેલ આશરે ત્રણ તોલા વજનનો સુતળીભાતની ડિઝાઈનનો સોનાના દોરાની ચીલઝડપ કરીને દોડીને બાઈક ઉપર બેસી ગયો હતો.
બાદમાં બન્ને લૂંટારૃ બાઈક ઉપર પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા.
યાત્રાળુઓ બૂમો પાડતા રહ્યાને ચેઇન સ્નેચરો બાઈક ઉપર પલાયન થઈ ગયા
આ બનાવના પગલે વૃધ્ધા સહિતના યાત્રાળુ ઓ ગભરાઈ ગયા હતા. અને બુમાબુમ કરી મુકી હતી.
જો કે જોતજોતામાં ચેઇન સ્નેચરો બાઈક ઉપર પલાયન થઈ ગયા હતા.
આ બનાવના પગલે યાત્રાળુઓમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો.
આખરે ગાંધીનગરનો કડવો અનુભવ થતાં વૃધ્ધાએ ફરિયાદ આપતાં સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.