રોજ પૂનાથી મગાવાતાં 10 ટન જેટલાં ગલગોટાનાં ફૂલ

નવરાત્રીના તહેવારોમાં પૂજા અને શણગાર કરવા માટે ફૂલોની માગ ખૂબ વધી જતી હોય છે.
જે માગને પહોંચી વળવા માટે વડોદરામાં ખાસ પૂનાથી રોજ 10 ટન જેટલા ગલગોટાનાં ફૂલ મગાવવામાં આવી રહ્યાં છે.
નવરાત્રમાં ખાસ પીળાં અને કેસરી ગલગોટાની માગ ખૂબ વધારે રહેતી હોય છે.
નવરાત્રી બાદ દશેરાના દિવસે પણ વાહનો માટે ખાસ ગલગોટાના હારનું વેચાણ 80 ટકા વધી જતું હોય છે.
શહેરમાં ફૂલોનો વેપાર કરતા સંતોષભાઈ માળીએ જણાવ્યું હતું કે, નવરાત્રીના નવ દિવસ અને દશેરાના દિવસ સુધી ગલગોટાની ખૂબ ડિમાન્ડ હોય છે.
શહેરમાં ગલગોટાનાં ફૂલ ખાસ પૂનાથી મગાવવામાં આવે છે.
જેમાં ગલગોટાનાં પીળાં અને કેસરી આમ બે કલરમાં ફૂલ આવે છે.
તહેવાર ન હોય ત્યારે 1 ટનથી પણ ઓછાં ફૂલ આવતાં હોય છે,
પરંતુ નવરાત્રી શરૂ થાય ત્યારે રોજ 10 ટન જેટલાં ફૂલ શહેરમાં પહોંચે છે.
જ્યાંથી અલગ-અલગ વેપારીઓ પોતાની જરૂરિયાત મુજબ ખરીદી લેતા હોય છે.
પૂના ઉપરાંત વડોદરા જિલ્લામાં પાદરા, શિનોર, ડભોઈ સહિતનાં ગામોમાંથી પણ ગલગોટા સહિતનાં ફૂલ વડોદરાના ફૂલ બજારમાં પહોંચતાં હોય છે.
જોકે આ ફૂલ શહેરની માગ મુજબ પહોંચી વળતા નથી.
જેથી બહારનાં રાજ્યોમાંથી ફૂલો મગાવવામાં આવે છે.
બીજી તરફ માળીઓના જણાવ્યા અનુસાર, વરસાદના કારણે ગુલાબનાં ફૂલ જલદીથી બગડી જતાં હોય છે.
જેથી ગુલાબનો ભાવ ગુરુવારના રોજ રૂા.350 પ્રતિ કિલો નોંધાયો હતો.
જ્યારે ગુલાબનો ભાવ રૂા.400 સુધી પહોંચી જતો હોય છે.