ગાંધીનગરમાં વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત ન કરાતાં ઉમેદવારોની માર્કશીટ સળગાવવાની ચીમકી
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકની ભરતીને લઇને વારંવાર લોલીપોપ આપવામાં આવતી હોવાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે.
આથી કંટાળેલા વિદ્યાસહાયકના ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં વિદ્યસહાયકની ભરતીની જાહેરાત નહી કરાય તો માર્કશીટને સળગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવશે.
છેલ્લા એક વર્ષથી ભરતી વધારવાની માંગણી છતાં રાજ્ય સરકારના પેટનું પાણી હાલતું નથી તેવો આક્ષેપ ટેટ પાસ ઉમેદવારોએ કર્યો છે.
પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી
રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે.
પરંતુ ટેટ પાસ લાખો ઉમેદવારોને નોકરી મળી રહે તે માટે વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવતી નથી.
ઉપરાંત વિદ્યાસહાયકની ભરતી કરવામાં પણ ફરજિયાત શિક્ષકના કાયદાનું પાલન પણ કરવામાં આવતું નથી.
ત્યારે ભરતી માટે રાજકીય રોટલા શેકવા માટે જ કરવામાં આવતી હોવાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે.
જ્યારે બીજી તરફ બેરોજગારી ઘટાડવાની મોટી મોટી વાતો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.
પરંતુ ટેટ પાસ ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવતી નહી.
ત્યારે ટેટ પાસ ઉમેદવારો દ્વારા વિદ્યાસહાયકની ભરતી કરવાની માંગણી સાથે વિરોધ આંદોલન ચલાવી રહ્યા છે.
જેના ભાગરૂપે છેલ્લા એકાદ વર્ષથી વિદ્યાસહાયકની ભરતી કરવા અનેક લડત કાર્યક્રમો આપવામાં આવ્યા છે.
શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા
પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાસહાયકની ભરતી આરટીઇના નિયમ મુજબ 12000 જેટલી કરવામાં આવતી નથી.
પરંતુ માંડ 3300 જેટલી ભરતી કરી હતી. શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતી ઓછી કરવાથી જૂના જ શિક્ષકો પોતાના વતનમાં જવા અરજી કરતા હોવાથી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા યથાવત રહેવા પામે છે.
ત્યારે નોકરી કરતા શિક્ષકો અરજી કરી શકે નહી તેવો કડક નિર્ણય લેવામાં આવે તેવી માંગણી ઉમેદવારોમાં ઉઠી છે.
જો આગામી સમયમાં વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત નહી કરવામાં આવે તો માર્કશીટને સળગાવી દેવાની ચીમકી ટેટ પાસ ઉમેદવારોએ ઉચ્ચારી છે.