પાટણમાં રાજ્યનું એકમાત્ર સીમેન પ્રોડક્શન સેન્ટર : 12 વર્ષમાં 2.45 કરોડ કૃત્રિમ બીજદાનના ડોઝ તૈયાર કરાયા

પાટણમાં આવેલા ગુજરાત સરકાર સંચાલિત રાજ્યના એકમાત્ર સીમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટમાં હવે ઈચ્છા અનુસાર માદા બચ્ચાં મેળવવા લિંગ નિર્ધારિત થીજવેલ સીમેન ડોઝનું ઉત્પાદન શરૂ કરાયું છે.
જેના બીજદાન થકી ગાય અને ભેંસમાં વાછરડી અને પાડી જ મેળવી શકાશે.
અત્યાર સુધી રાજ્યમાં આવાં 84 હજાર કરતાં વધુ ડોઝ તૈયાર કરાયાં છે.
ઉલ્લેખનિય છે કે, છેલ્લા 12 વર્ષમાં 2.45 કરોડ કૃત્રિમ બીજદાનના ડોઝ તૈયાર કરાયા છે.
કૃત્રિમ બીજદાન માટેના ડોઝનું ઉત્પાદન
રાજ્યમાં ઉચ્ચ ઓલાદના ઉત્તમ ગુણવત્તા ધરાવતા સાંઢ અને પાડાના થીજવેલ વીર્યના કૃત્રિમ બીજદાન માટેના ડોઝનું ઉત્પાદન કરવા ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા એકમાત્ર પાટણ ખાતે સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ 23 જૂન 2010માં શરૂ કરાયું છે.
આ કેન્દ્ર દ્વારા છેલ્લા 12 વર્ષમાં સાંઢ અને પાડાના 2.45 કરોડ કૃત્રિમ બીજદાનના ડોઝ તૈયાર કરાયાં છે.
જે પૈકી રાજ્યના પાંચ ઝોનમાં આવેલી સીમેન બેંક મહેસાણા, હિંમતનગર, રાજકોટ, વડોદરા અને હરિપુરા (સુરત) મારફતે 2.34 કરોડથી વધુ થીજવેલ સીમેન ડોઝ સપ્લાય કરાયાં છે.
કૃત્રિમ બીજદાનની તાલીમ
ગુજરાત પશુધન વિકાસ બોર્ડનાં મુખ્ય કારોબારી અધિકારી સહ પશુપાલન નિયામક ડો. ફાલ્ગુનીબેન ઠાકરના માર્ગદર્શન તળે સંસ્થાના મદદનીશ પશુપાલન નિયામક ડૉ. પ્રદીપ પટેલના દેખરેખમાં સંચાલન થઈ રહ્યું છે.
આ સંસ્થાને ગુણવત્તાયુકત કામગીરી બદલ ભારત સરકારના સેન્ટ્રલ મોનિટરિંગ યુનિટ દ્વારા સતત “એ” ગ્રેડ મળ્યો છે.
કેન્દ્ર દ્વારા સીમેન ડોઝ વિતરણ ઉપરાંત પશુપાલનના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામ્ય વિસ્તારનો યુવાવર્ગ આત્મનિર્ભર બને માટે બેઝિક કૃત્રિમ બીજદાનની તાલીમ પણ અપાય છે.
પશુને બે માસ ક્વોરન્ટાઇન રાખી રોગ પરીક્ષણ બાદ બીજ ગ્રહણ કરી સીમેન ડોઝ માટે પ્રોસેસિંગ કરાય છે
ગુજરાતની ભેંસ વર્ગની મહેસાણી, જાફરાબાદી, સુરતી અને બન્ની ઓલાદ તેમજ ગાય વર્ગની ગીર, કાંકરેજ, શુદ્ધ એચએફ અને એચએફ શંકર ઓલાદના સાંઢ/પાડા પસંદ કરી નિયત રોગ પરીક્ષણ કરાવી મહેસાણા અને હિંમતનગર ક્વોરન્ટાઇન સ્ટેશનમાં રાખવામાં આવે છે.
જ્યાં બે માસ સુધી પુનઃ વિવિધ જાતીય રોગોનું પરીક્ષણ કરી પાટણ લવાય છે.
અહીં ભારત સરકાર દ્વારા સ્થાપિત સેન્ટ્રલ મોનિટરિંગ યુનિટની માર્ગદર્શિકા મુજબ સાંઢ અને પાડાનું નિયમિત અંતરે વિવિધ રોગોના પરીક્ષણ બાદ બીજ ગ્રહણ કરી સીમેન ડોઝનું પ્રોસેસિંગ કરવામાં આવે છે.
લિંગ નિર્ધારિત કૃત્રિમ બીજદાન ડોઝના ફાયદા
- 88% માદા બચ્ચાંનો જન્મ થાય છે.
- પશુપાલકોને નર બચ્ચાંના પાલનપોષણનો વધારાનો ખર્ચ બચશે.
- નવા માદા પશુઓ ખરીદવા પડશે નહીં.
- ગાય-ભેંસમાં કષ્ટદાયક પ્રસૂતિનું નિવારણ અને સારી ઓલાદના માદા બચ્ચાં જન્મશે.
- નર બચ્ચાંના જન્મદર ઘટવાના કારણે રાજ્યમાં (નર) રખડતાં ઢોરોનો ઉપદ્રવ ઓછો થશે.
- પશુઓની ઓલાદ સુધારણા પ્રક્રિયા ઝડપી થશે.
- રાજ્યમાં ગાય ભેંસો વધુ જન્મતાં દૂધ ઉત્પાદન પણ વધશે.
આ ગાયોની જાતનાં કૃત્રિમ બીજદાનના ડોઝ બને છે
કાંકરેજી, ગીર, જર્સી, HFXG, HF 100% અને HFCB 50%
આ ભેંસોની જાતનાં કૃત્રિમ બીજદાનનાં ડોઝ બને છે
મહેસાણી, જાફરાબાદી, સુરતી અને બન્ની