કાયદો નેવે મૂકીને નિ:સંતાન ધનિક દંપતીને બાળક દત્તક આપવાનું કૌભાંડ

બાળકની કસ્ટડીના એક કેસમાં 6 માસની દીકરીની કસ્ટડી હાઈકોર્ટે માતાને સોંપી તે જ દિવસે માતા દીકરીને અનાથ આશ્રમમાં મૂકી ગઈ હતી.
અનાથ આશ્રમના સત્તાવાળાએ દીકરીના જૈવિક પિતાને શોધવાને બદલે શ્રીમંત પરિવારના નિ:સંતાન દંપતીને દીકરી દત્તક આપી દીધી હતી.
બીજી તરફ દીકરીના જૈવિક પિતાએ માતા-પુત્રી ગુમ થતાં પોલીસ ફરિયાદ કરી હતી અને કોર્ટની દરમિયાનગીરી પછી 2 વર્ષે દીકરીને નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમમાં મૂકી હોવાની માહિતી મળી હતી.
તપાસમાં ખૂલ્યું હતું કે, અનાથ આશ્રમે યોગ્ય પ્રક્રિયા વગર જ બાળકી દત્તક આપી દીધી હતી.
બાળક ખોટી રીતે દત્તક અપાતું
હવે પોલીસ તપાસમાં અનાથ આશ્રમના સંચાલન સામે સવાલ ઊઠ્યા છે.
અનાથ આશ્રમો બાળકોના જૈવિક માતા-પિતા શોધવાને બદલે ધનિક પરિવારના નિ:સંતાન દંપતીને બાળકો દત્તક આપી દેતા હોવાની ગેરરીતિનો ઘટસ્ફોટ થયો છે.
બાળક ખોટી રીતે દત્તક અપાતું હોવાથી થયેલી અરજી પછી હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવેએ સમગ્ર મામલે અનાથ આશ્રમ, ચિલ્ડ્રન હોમ, સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીને જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.
દીકરીની કસ્ટડી માટે જૈવિક પિતાની કોર્ટમાં અરજી
ખોટી રીતે બાળક દત્તક આપવા મુદ્દે 6 માસની બાળકીના પિતાએ કરેલી અરજીની સુનાવણીમાં એડવોકેટ રાજન પટેલે રજૂઆત કરી હતી કે, ફેમિલી કોર્ટે 15 જૂન 2017ના રોજ દીકરીને માતાના દૂધની જરૂર હોવાથી બાળકીની કસ્ટડી માતાને સોંપી હતી.
જે દિવસે કોર્ટે દીકરીની કસ્ટડી માતાને સોંપી તે દિવસથી માતા દીકરીને લઇને ગુમ થઇ ગઇ હતી
અને અનાથ આશ્રમમાં મૂકી આવી હતી. એવી માહિતી મળી કે, બાળકી નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમમાં છે.
પત્નીએ ફેેમિલી કોર્ટમાં ખોટું સોગંદનામું કરીને દીકરીની કસ્ટડી પિતા પાસે હોવાનું કહ્યું હતું.
અનાથ આશ્રમે કાયદાનો ભંગ કર્યો
6 માસની દીકરીને અનાથ આશ્રમમાંથી દત્તક લેનારા પાલક માતા-પિતા પાસેથી દીકરી પાછી લેવા જૈવિક પિતાએ હાઈકોર્ટમાં દાદ માગી છે.
જ્યારે ડીડ ઓફ સરેન્ડરમાં માતા-પિતાની સહી ન હોય તો બાળકને અનાથ ગણી બાળકને દત્તક આપી શકાય નહીં.
પણ અરજદાર પતિની સહી વગર જ અનાથ આશ્રમે કાયદાનું પાલન કર્યા વગર દીકરી દત્તક આપી દીધી હતી.
પિતાની સહી વિના બાળકી સ્વીકારી
દીકરી માતાના દૂધ પર નિર્ભર હોવાથી ફેમિલી કોર્ટે કસ્ટડી માતાને આપતાં નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમમાં દીકરીને મૂકી દીધી હતી.
કાયદા અનુસાર માતા-પિતા બંનેની સહી સાથેનું ડીડ ઓફ સરન્ડર કરવાનું હોય છે.
પરતું અનાથાશ્રમના સંચાલકોએ માત્ર માતાની સહી સાથેનું ડીડ ઓફ સરન્ડર સ્વીકારી લીધું હતું.
તેના પર માતાના ભાઈની સહી હતી.