60 ટકા હાજરી નહીં હોય તેવો વિદ્યાર્થી પરીક્ષામાં નહીં બેસી શકે

એમ.એસ. યુનિના સત્તાધીશોએ વિદ્યાર્થીઓ માટે હાજરીનો સરક્યૂલર કાઢ્યો છે.
તમામ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની દરેક વિષયમાં ઓછામાં ઓછી 60 ટકા હાજરી ફરજિયાત હોવી જરૂરી હોવાનો આદેશ અપાયો છે.
ફેકલ્ટી સ્તર પર સૂચના આપ્યા પછી યુનિવર્સિટી સ્તરથી તમામ ફેકલ્ટીઓને જાણ કરવામાં આવી છે.
ફેકલ્ટીના ડીને નોંધાયેલા વિદ્યાર્થીઓની દૈનિક હાજરીનું રજિસ્ટર રાખવું પડશે.
મ.સ. યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની હાજરી લેવાનો સરક્યૂલર યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
જેમાં ફેકલ્ટી સત્તાધીશો દ્વારા લેવામાં આવતાં લેક્ચરમાં અધ્યાપકોએ વિદ્યાર્થીનો સિરિયલ નંબર, નામ, પીઆરએન નંબર, પ્રોગ્રામની ડિટેઇલ પણ લખવી પડશે.
વિદ્યાર્થીઓની ફરજિયાત હાજરી માટે છેલ્લા કેટલાય સમયથી આદેશ કરવામાં આવી રહ્યા છે.
ફેકલ્ટી સ્તરે પણ વિદ્યાર્થીઓને ફરજિયાત હાજરી માટે સૂચના આપવામાં આવી છે.
જોકે હજુ પણ ઘણી ફેકલ્ટીમાં પૂરતી સંખ્યા થઇ રહી નથી. આ ઉપરાંત કોમર્સ જેવી વધુ સંખ્યાબળ ધરાવતી ફેકલ્ટીઓમાં તો ક્લાસરૂમની પણ સમસ્યા સર્જાઇ રહી છે.
જો વિદ્યાર્થીઓની હાજરી પૂરતી નહિ હોય તો તેમને પરીક્ષા સમયે મુશ્કેલી ઊભી થશે.
નિયમ પ્રમાણે પૂરતી હાજરી નહિ ધરાવતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકશે નહીં.
ડીનોને એવા વિદ્યાર્થીઓની હાજરી માફ કરવા માટે સત્તા આપવામાં આવી છે કે, જે રમત-ગમત, સ્વતંત્રતા દિવસ પરેડ વગેરેમાં ભાગ લેવાના હોય
તથા જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરે છે
અથવા લશ્કરી ફરજોમાં હોય તેમને પણ માફીને પાત્ર ગણવામાં આવશે.