નવદંપતી બારમાં ગયું, પતિએ દારૂ પીધા બાદ બાર ડાન્સરને 1.70 લાખની ટિપ આપી, પત્નીએ વિરોધ કરતાં હોટલમાંથી કાઢી મૂકી
રાજકોટમાં લક્ષ્મીવાડી 9-17માં છેલ્લા ત્રણ મહિનાથી માવતરે રહેતી તૃપ્તિ નામની પરિણીતાએ જામનગર દિગ્વિજય પ્લોટમાં રહેતા પતિ માર્શલ રાજેશભાઇ મોદી અને સાસુ શીતલબેન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગત ફેબ્રુઆરી મહિનામાં માર્શલ સાથે લગ્ન થયા છે. લગ્નના ચાર દિવસ બાદ જ પતિએ દારૂ પી ઝઘડા કરવાનું ચાલુ કરી દીધું હતું.
આ મુદ્દે સાસુ-સસરાને વાત કરતાં તેઓ પણ પતિનું ઉપરાણું લેતાં હતાં. લગ્નને થોડો જ સમય થયો હોવાથી પિયરમાં આ વાત કોઈને કરી નહોતી.
મારો દીકરો દારૂ પીવે છે. તારે સવારે તે ઊઠે ત્યારે તેને પથારીમાં બ્રશ આપવાનું, સવારે લીંબુ પાણી આપવાનું એટલે નશો ઊતરી જાય એમ કહી સાસુ ઉપરાણું લેતાં હતાં.
લગ્ન બાદ બંને મુંબઈ ફરવા ગયા હતા, જ્યાં દારૂ પીવાની ટેવ ધરાવતા પતિ માર્શલ પોતાને તેની સાથે બારમાં લઇ ગયા હતા.
અહીં પતિએ દારૂના નશામાં બાર ડાન્સરને રૂ.1.70 લાખની ટિપ આપી હતી,
જેથી આટલી બધી ટિપ ન આપવાનું કહેતાં પતિએ પોતાની સાથે ઝઘડો કરી હોટલમાંથી કાઢી મૂકી હતી.
જેથી પોતે આખી રાત મુંબઇના એરપોર્ટ પર બેસી રહી હતી. બાદમાં મહામહેનતે પોતે જામનગર પરત આવી હતી.
પતિના કૃત્યની માતા-પિતાને વાત કરતાં તેઓ જામનગર આવ્યાં હતાં અને બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
સમાધાનના બે દિવસ બાદ ફરી પતિએ દારૂ પીને ઝઘડા કરવાનું ચાલુ કરી દીધું હતું.
આ સમયે સાસુ પણ કરિયાવર મુદ્દે પોતાને મેણાં મારી તું માગણાવાળી છો કહી અપમાન કરતા હતા.
સાસુ-પતિના ત્રાસથી અંતે કંટાળી પોતે માવતર આવી ગઈ હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અન્ય એક બનાવમાં વિવેકાનંદનગર-1માં રહેતી મનીષા નામની પરિણીતાએ પતિ દિવ્યેશ, સાસુ મીતાબેન અને સસરા નીતિનભાઇ જગુભાઇ હેરમા સામે ફરિયાદ નોંધાવી છે.
પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા બાદ છેલ્લા એક વર્ષથી યેન કેન પ્રકારેણ સાસુ-સસરા ત્રાસ આપતાં હતાં.
જ્યારે દારૂ પીવાની ટેવ ધરાવતા પતિને અન્ય મહિલા સાથે આડાસંબંધ હોવાથી વિરોધ કરતાં પતિએ પોતાને માર માર્યો હતો.
પતિના ત્રાસની પિયરમાં ખબર પડતાં તેમને પણ ઠપકો દેતાં ફરી ત્રાસ આપી પુત્ર સાથે પોતાને કાઢી મૂકી હતી.
બાદમાં આઠ મહિનાથી પોતાની અને પુત્રની કોઈ દરકાર નહિ લેતાં તેણે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.