નખત્રાણા વિસ્તારમાં વિથોન ગામના મુસ્લિમ પરિવાર નિર્મિત નવરાત્રી માટેના ગરબાઓ વર્ષોથી પ્રચલિત

નખત્રાણા તાલુકાના વિથોણ ગામના ઇસ્માઇલ રમજાન કુંભાર પેઢીઓથી માટી કામ કરીને નવરાત્રિ પર્વ નિમિત્તે આસ્થાના પ્રતિક ગરબા અને દીવડાઓ બનાવી રહ્યા છે.
હાલમાં ગરબાની માગમાં ગત વર્ષ કરતા આ વર્ષે માગ વધારે હોવાથી તે મુજબ સંખ્યાબંધ ગરબા બનાવ્યા છે. આ માટે ખાસ પ્રકારની માટીની જરૂર પડે છે.
જે સ્થાનિકે ઉપલબ્ધ ન હોવાથી દૂરથી માટી લવાય છે, જેના કારણે પડતર કિંમતમાં વધારો થવાથી ગરબાની કિંમતમાં પણ વધારો થયો છે.
જોકે તહેવારોની સાથે આસ્થા જોડાયેલી હોવાથી નફાને બદલે માત્ર મજૂરી જ નીકળે તે મુજબના ભાવો લેવામાં આવી રહ્યા છે.
વર્ષો પહેલા પચાસ પૈસામાં ગરબો મળતો હતો
ગરબા બનાવવા માટે પહેલા માટી લેવા ગધેડાનો ઉપયોગ થતો.હવે છકડો રિક્ષાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું મુસ્લિમ પરિવારના હનીફભાઇએ જણાવ્યું હતું.
તેમણે વિશેષમાં કહ્યું હતું કે તેમના વડીલો જણાવતા હતા તે મુજબ વર્ષો પહેલા પચાસ પૈસામાં ગરબો મળતો હતો.
જો કે તે સમયે પચાસ પૈસાની કિંમત પણ ઘણી કહેવાતી. ગરબા ઉપર સફેદ માટીનું રંગ લગડવામાં આવતું હતું.
પરંતુ હવે સમયની સાથે ગરબા પર વિશિષ્ટ પ્રકારના કલર , આભલાં, ટિકલા અને કાચના ટુકડાઓથી સજજ આકર્ષક ગરબા મળી રહ્યા છે.
હવે તો 40 રૂપિયા થી માંડીને 150 રૂપિયા સુધીમાં ગરબા મળે છે.ગ્રામ્ય વિસ્તારમાં દર વર્ષે નાની બાલિકાઓ ગરબા ફેરવવા જાય છે.
ઘમેલામાં દીવડાઓ અને ગરબાઓ લઈ જઈને વેચાણ કરવામાં આવે છે
નખત્રાણા મધ્યે રહેતા એક કુંભાર પરિવાર દ્વારા વર્ષોથી પોતાની ગધેડા ગાડી કે હાથ ગાડી પર ગરબા લઈ જઈને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માં જાય છે.
તો કુંભાર પરિવારની સ્ત્રીઓ દ્વારા ઘમેલામાં દીવડાઓ અને ગરબાઓ લઈ જઈને વેચાણ કરવામાં આવે છે.
ગરબા પર એક દીવો ફ્રી માં આપવામાં આવે છે.
અને વડીલોના સમયથી ચાલી આવતી પરંપરાને આજે પણ જીવંત રાખી રહ્યા છે.
