મંદિર-દરગાહની દાનપેટી તોડી ચોરી કરનાર ઝડપાયો, આરોપીને અગાઉ પાસાની સજા થઈ હતી
અમદાવાદ | ધર્મસ્થળોની દાનપેટીમાંથી ચોરી કરતા એક આરોપીની ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે વટવા કેનાલ રોડ ઉપરથી ધરપકડ કરી હતી,
જે અગાઉ પણ ચોરી અને લૂંટના ગૂનામાં પાસા સહિતની સજા કાપી ચૂક્યો છે.
રીઢા ગુનેગાર સાજિદની ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે વટવામાંથી ધરપકડ કરી
ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ એમ વ્યાસની ટીમે બાતમીના આધારે સાજિદ ઉર્ફે મોડલ અનવરભાઈ શેખ( ઉ.26 રહે. ગજેન્દ્ર ગડકરનગર, વટવા)ને વટવા કેનાલ રોડ પરથી ઝડપી પાડયો હતો.
આરોપીની પૂછપરછ કરતા તેણે છ માસથી કોઈ કામધંધો કરતો ન હોવાનુ જણાવ્યું હતું.
વધુમાં તેણે 5-6 માસ પહેલા રાતના સમયે નારોલ ઈસનપુર-વટવા રોડ પર આવેલી ગેબનશા પીરની દરગાહની દાનપેટી તોડી આશરે રૂ. 5 હજારની ચોરી કરી હતી.
તેમજ આશરે બે માસ પહેલા રાતના સમયે વટવા નવાપુરા ખાતે આવેલા અયપ્પા મંદિરની દાનપેટી તોડી આશરે રૂ. 15 હજારની ચોરી કરી હતી.
આ અંગે પોલીસે તપાસ કરતા ઉપરોકત બંને બનાવો અંગે વટવા અને નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનુ માલુમ પડયું હતું.
પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી અગાઉ 2020માં સાબરમતી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં, કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં તેમજ 2021માં વટવા પોલીસ સ્ટેશનમાં બે વાહનચોરીના ગુનામાં પકડાયેલો છે.
જે ગુનામાં તેને એક વખત પાસા હેઠળ કેદની સજા થતા તેણે રાજકોટ જેલમાં પાસાની સજા પણ ભોગવેલી હોવાનું જાણવા મળ્યું હતું.