સીંગવડમા જમીન મામલે હથિયારો ઉછળ્યા,ચાર ઈજાગ્રસ્ત, સામસામે ફરિયાદ નોંધાઇ
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ચાચકપુર ગામે જમીન સંબંધી મામલે બે પક્ષો વચ્ચે મારક હથિયારો વડે મારામારી થઈ હતી.
જેમાં ચાર વ્યકિત ને શરીરે ઈજાઓ પહોંચતાં સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી
પગમા તલવાર મારી પતાવી નાખવાની ધમકી આપી
ચાચકપુર ગામે નીસરતા ફળિયામાં રહેતાં સુરેશભાઈ સરતનભાઈ નીસરતાએ નોંધાંવેલી ફરિયાદમાં જણાવ્યાં અનુસાર ગામમાં રહેતાં બીજલભાઈ વજાભાઈ નીસરતા, જીતેન્દ્રભાઈ બીજલભાઈ નીસરતા, સુરેશભાઈ બીજલભાઈ નીસરતા જયેશભાઈ બીજલભાઈ નીસરતા, કાળીબેન બીજલભાઈ નીસરતા અને શીતલબેન જયેશભાઈ નીસરતા એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી
પોતાની સાથે તલવાર જેવા મારક હથિયારો લઈ સુરેશભાઈ પાસે ધસી આવ્યાં હતાં.
આ સરકારી જમીન તમારી નથી, અમારી છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ તલવારનો ઘા સુરેશભાઈને પગના ભાગે મારી ઈજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી.
ઘરે ધસી આવી પથ્થરમારો કર્યો
જ્યારે સામાપક્ષેથી ચાચકપુર ગામે નીસરતા ફળિયામાં રહેતાં જયેશભાઈ બીજલભાઈ નીસરતાએ નોંધાંવેલી ફરિયાદમાં જણાવ્યાં ગામમાં રહેતાં સુરેશભાઈ સરતનભાઈ નીસરતા, પરેશભાઈ સરતનભાઈ નીસરતા, પંકજભાઈ સરતનભાઈ નીસરતા, જીજ્ઞેશભાઈ સરતનભાઈ નીસરતા, સંતોષબેન સુરેશભાઈ નીસરતા અને અંજનાબેન પરેશભાઈ નીસરતા પોતાના હાથમાં પથ્થરો અને હથિયારો લઈ જયેશભાઈના ઘર તરફ આવ્યાં હતાં.
ગાળો બોલી કહેવા લાગ્યા કે આ જમીન તમારી નહીં અમારી છે,
તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ સુરેશભાઈ, જીતેન્દ્રભાઈ અને બીજલભાઈને છુટ્ટા પથ્થરો મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવ્યું હતું.
આ સંબંધે બંન્ને પક્ષો દ્વારા સામસામે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે સામસામે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.