અમદાવાદમાં દારૂડિયા પતિએ દીકરો લઈ લીધો, પુત્રવધુ પાસેથી સાસરિયાઓએ એક માસનુ બાળક પડાવી લીધું
અમદાવાદમાં અભયમની ટીમે એક જ રાતમાં બે માતાઓને તેમના સંતાન સાથે મિલાપ કરાવ્યો છે.
જેમાં એક કેસમાં દારૂડિયા પતિએ બાળકને પડાવી લીધું હતું. જ્યારે બીજા કેસમાં એક મહિનાનું બાળક સાસરિયાઓએ પડાવી લીધું હતું.
ત્યારે અભયમની ટીમે બંને માતાઓને તેમના સંતાનો પરત અપાવતાં માતાની આંખમાથી આંસુ સરી પડ્યા હતાં.
દારૂડિયા પતિએ દીકરાને લઈ લીધો હતો
અભયમની ટીમને અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી કોલ આવ્યો હતો.
અભયમની ટીમ કોલના સ્થળે પહોંચતા જ મહિલાએ જણાવ્યું હતું કે, અમે પતિ પત્ની એકલા રહીએ છીએ અને સંતાનમાં એક દીકરો છે.
મારો પતિ દારૂનો વ્યસની છે અને નશો કરીને ગાડીમાં સુઈ ગયો હતો.
જેથી તેને લેવા ગઈ તો ઉશ્કેરાઈને તેણે મારામારી કરી હતી
અને દીકરો લઈ લીધો હતો. મહિલાની વાત સાંભળીને અભયમની ટીમ પતિ પાસે પહોંચી હતી અને તેને સમજાવીને દીકરો પરત અપાવ્યો હતો.
સાસુએ બાળકને મુકીને જવા માથાકુટ કરી હતી
જ્યારે બીજા કિસ્સામાં અભયમની ટીમને એક મહિલાએ ફોન કરીને જણાવ્યું હતું કે, મારૂ એક મહિનાનું બાળક સાસરિયાઓએ લઈ લીધું છે
અને મને ઘરની બહાર કાઢી મુકી છે. આ કોસ મળતાં જ અભયમની ટીમ કોલના સ્થળે પહોંચી હતી.
જ્યાં કોલ કરનાર મહિલાએ જણાવ્યું હતું કે, સવા મહિના પહેલાં જ બાળકનો જન્મ થયો છે.
પહેલું બાળક હોવાથી રિવાજ પ્રમાણે તે પિયર જવા માંગતી હતી
પરંતુ સાસરીના રીતરિવાજ પ્રમાણે તે બે મહિના બાદ પિયર જઈ શકે.
આ બાબતે માથાકુટ થઈ હતી.મહિલાના સસરા એક જ દિવસમાં પિયર જઈને પરત આવી જવા માની ગયા હતાં.
પરંતુ સાસુએ ઝગડો કર્યો હતો. સાસુએ બાળકને મુકીને જવા માથાકુટ કરી હતી.
પતિએ પત્નીને મારમારીને કાઢી મુકી હતી
આ સમયે પતિએ પત્નીને મારમારીને કાઢી મુકી હતી અને બાળક લઈ લીધું હતું.
મહિલાની વાત સાંભળ્યા બાદ અભયમની ટીમ મહિલાના સાસરિયાઓને મળી હતી.
અભયમની ટીમે બાળકને સ્તનપાન કરાવવા માટે પરત અપાવ્યું હતું.
ત્યાર બાદ પતિ અને સાસરિયાઓને સમજાવ્યા હતાં.
ત્યારે સસરાએ તેમની પત્નીનો વાંક કાઢ્યો હતો અને સમજાવી હતી.
આ સમયે મહિલાએ હાલ સાસરીમાં નથી રહેવું કહેતાં જ તેના ભાઈને સાસરીમાં બોલાવ્યો હતો.
પછી સંતાન સાથે મહિલાને પિયરમાં મોકલી આપી હતી.
આમ એક જ રાત્રે અભયમની ટીમે બે મહિલાઓનો સંતાનો સાથે મિલાપ કરાવ્યો હતો.