મીઠાપુર પાસે કારચાલકે બાઇકનેે ટક્કર મારતાં 1નું મોત, 3ને ઇજા
બાવળા તાલુકાના મીઠાપુર ગામના 2 વ્યકિત અને 2 બાળક બાઇક ઉપર બગોદરા જઇ રહ્યા હતાં
ત્યારે ગામના પાટીયા પાસે હાઇ-વે ઉપર કોઈ અજાણ્યા કારના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને બાઇકને ટક્કર મારતાં 1 વ્યકિતનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું.
જયારે 1 વ્યકિત અને 2 બાળકોને નાની-મોટી ઇજા થવા પામી હતી.
કાર ચાલક એક્સીડેન્ટ કરીને ભાગી ગયો હતો. બગોદરા પોલીસમાં કાર ચાલક વિરૂદ્ધ અકસ્માતની ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બાવળા તાલુકાના મીઠાપુર ગામમાં રહેતાં કાળુભાઇ રુપસંગભાઇ ગોહેલ, તેમનો દિકરો નિતેશભાઇ કાળુભાઇ ગોહેલ, નિતેશભાઇનો દિકરો મિલન (ઉ.વ.1.5 વર્ષ) અને તેમનાં ભાઈનો દિકરો ઉમંગ વિક્રમભાઇ ગોહેલ બાઇક લઇને બગોદરા જઈ રહ્યા હતાં.
બગોદરા ભોગાવો બ્રિજ પહેલા કાળાસરના ઠેબા પાસેથી પસાર થઈ રહ્યા હતાં
ત્યારે લીંબડી તરફથી આવી રહેલી 1 કાર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને બાઇકના પાછળનાં ભાગે જોરદાર ટક્કર મારતાં ચારેય વ્યકિતને ઇજાઓ થવા પામી હતી.
કાર ચાલક ગાડી લઇને ભાગી ગયો હતો. અકસ્માત થતાં લોકો ભેગા થઇ ગયા હતાં
અને કોઇએ 108ની ઇમરજન્સી સેવાને ફોન કરતાં તરત જ 108 આવી જઈને તપાસ કરતાં કાળુભાઇને માથામાં ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું
અને 3ને ઇજા થતાં બગોદરા સરકારી દવાખાને લઈ ગયા હતાં
ત્યાં પ્રાથમિક સારવાર આપીને નિતેશભાઇને માથામાં વધારે વાગ્યું હોવાથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પીટલ સારવાર માટે લઈ ગયા હતાં.
જેથી રાજુભાઇ મોબુભાઇ ગોહેલે બગોદરા પોલીસમાં કાર ચાલક વિરૂદ્ધ અકસ્માતની ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે કાર ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને લાશનું પી.એમ.કરાવીને નાશી છૂટેલાં કાર ચાલકને પકડી પાડવાં ચક્રો ગતિમાન કર્યા હતા.