જૂની પેન્શનની માગ સાથે કર્મીઓ ધરણાં કરે તે પહેલાં અટકાયત

જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે સમગ્ર રાજ્યમાંથી સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટી પડેલા સરકારી કર્મચારીઓ વિરોધ કાર્યક્રમ કરે તે પહેલાં પોલીસએ અટકાયત કરી લીધી હતી.
અંદાજે ત્રણ હજાર જેટલા કર્મચારીઓની અટકાયત કરીને ડીએસપી કચેરી, મગોડી એસઆરપી ગૃપ-12ના હેડક્વાર્ટર ખાતે લઇ જવામાં આવ્યા હતા.
જોકે કર્મચારીઓ પોતાની લડત ચાલુ રાખવાનો હુંકાર કર્યો હતો.
સરકારે સરકારી કર્મચારીઓને લાગુ કરેલી નવી પેન્શન યોજનાથી નિવૃત્તિ સમયે કર્મચારીઓની આર્થિક હાલત કફોડી બની રહે છે.
જોકે સરકારી કર્મચારીઓ ત્રીસેક વર્ષની નોકરી કરવા છતાં પેન્શનને હકદાર નથી.
જ્યારે પાંચ વર્ષમાં સત્તામાં મંત્રી પદ ભોગવનાર મંત્રીઓને પેન્શન અપાઇ રહ્યું છે.
ત્યારે કર્મચારીઓને થઇ રહેલા અન્યાયના વિરોધમાં કર્મચારીઓમાં સ્વયંભૂ રોષ ભભૂકી ઉઠ્યો છે.
જોકે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે રાજ્યભરના તમામ કર્મચારીઓના સંગઠનો એક થયા હતા. પરંતુ તેને તોડી પાડવામાં રાજ્ય સરકાર સફળ થઇ છે.
પરંતુ જૂની પેન્શન યોજનાનો લાભ નથી મળતો તેવા કર્મચારીઓ હવે જૂની પેન્શન યોજનાનો લાગુ કરવાની માંગ સાથે વિરોધ કાર્યક્રમો શરૂ કરવામાં આવનાર છે.
જેના ભાગરૂપે ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યભરમાંથી અંદાજે પાંચ હજાર જેટલા કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટી પડ્યા હતા.
જોકે કર્મચારીઓ ધરણાં કાર્યક્રમ કરે તે પહેલાં જ પોલીસે અંદાજે ત્રણેક હજાર કર્મચારીઓની અટકાયત કરીને પોલીસ વડાની કચેરી, મગોડી ખાતેના એસઆરપી ગૃપ-12ના હેડક્વાર્ટર ખાતે લઇ જવામાં આવ્યા હતા.
જૂની પેન્શન યોજનાની લડત આગામી સમયમાં પણ ચાલુ રહેશે.
