મોડાસાની ગ્રીનપાર્ક-2 સોસાયટીમાં ચોરો દાગીના સાથે કાર પણ ઉઠાવી જતા ચકચાર

મોડાસામાં જૂની આરટીઓ કચેરી પાછળના ભાગે આવેલી ગ્રીનપાર્ક -2 માં સોસાયટીમાં બે સાઢુભાઇઓના બંધ મકાનમાં સોના ચાંદીના ઘરેણા અને રોકડ સહિત કુલ 1,77,980 ની મત્તાની ચોરીને અંજામ આપીને આજ સોસાયટીમાંથી બેંકમાં ફરજ બજાવતા કર્મીની કાર પણ ઉઠાવી જતા ચકચાર મચી ગઈ હતી.
એક જ રાત્રિમાં કાર સહિત કુલ રૂ.6.77 લાખની ચોરીને અંજામ આપી ચોરો પલાયન થતાં ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
ગ્રીનપાર્ક – 2 સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ તબિયાર અને તેમના સાઢુભાઈનો પરિવાર મકાન બંધ કરી સામાજિક કામથી બહાર ગયો હતો.
દરમિયાન રાત્રે મકાનનું સેન્ટર લોક અને તાળા તોડીને કલ્પેશભાઈના મકાનમાં તિજોરી કબાટમાં રહેલા રોકડ 5,000 તેમજ સોના ચાંદીના ઘરેણા સહિત કુલ રૂ.1,34,660 ની ચોરીને અંજામ આપ્યો હતો.
આ સોસાયટીમાં રહેતા અને બેંકમાં ફરજ બજાવતા મનુભાઈ જીવાભાઇ ભગોરાના મકાનની આગળ પાર્ક કરેલી 5 લાખની કાર નંબર gj 31 0794 ઉઠાવી ગયા હતા.
આ વિસ્તારમાં તસ્કરોએ વધુ તરખાટ મચાવીને રાધા ગોપીનાથ શર્માના બંધ મકાનને નિશાન બનાવીને ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના કાંડા ઘડિયાળ અને સાડીઓ સહિત કુલ રૂ. 43,320 ની ચોરીને અંજામ આપ્યો હતો. કલ્પેશભાઈ તબીયારે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
