રાજકોટમાં જૂની અદાવતમાં છરીના 14 ઘા ઝીંકી યુનુસને પતાવી દેનાર આરોપીને આજીવન કેદની સજા, 1 લાખનો દંડ

રાજકોટના કોઠારીયા રોડ પર યુનુસ પીપરવાડીયાના હત્યા કેસમાં ફારૂક જામનગરીને આજીવન કેદની સજાનો હુકમ અદાલતે કર્યો છે.
આ વર્ષ 2016ની ઘટના છે. જેમાં અગાઉની અદાવતમાં છરીના 14 ઘા ઝીંકી નિર્મમ હત્યા કરાઈ હતી.
અદાલતે દોષિતને રૂ.1 લાખનો દંડ પણ ફટકાર્યો છે
અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.
ફારુકે યુનુસની કાર રોકી હુમલો કર્યો હતો
18 ઓગસ્ટ 2016ના રોજ ફરિયાદી ઈકબાલ પીપરવાડિયા, યુનુસ પીપરવાડીયા, મિત્ર હુસેન નાથાણી અને મૃતક યુનુસનો દીકરો સેન્ટ્રો કારમાં કોઠારીયા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.
ત્યારે ડોક્ટર આંબેડકર ભવન ગેટ આગળ ફારુક જામનગરીએ પોતાની કાર આડી નાખીને સેન્ટ્રો ઉભી રખાવી યુનુસ પીપરવાડિયા બહાર નીકળતા ફારૂકે ‘મારા પિતા સાથે કેમ માથાકૂટ કરી હતી
’ તેમ કહીને બોલાચાલી કરી ફારૂક જામનગરીએ હુમલો કર્યો હતો.
આથી યુનુસે ભાગવાની કોશિશ કરી હતી.
પરંતુ તે દરમિયાન ફારુકે તેના ઉપર છરીના આડેધડ ઘા ઝીંકી દેતા ગંભીર ઈજા થવાથી યુનુસ કરીમભાઈ પીપરવાડિયાનું મૃત્યુ થયું હતું.
પીએમમાં શરીર પર છરીના 14 ઘા જોવા મળ્યા હતા
મૃતક યુનુસના પીએમ અને ફોરેન્સિક તપાસમાં મૃતકના શરીર ઉપર છરીના 14 ઘાના નિશાન મળ્યા હતા.
તેમજ આ બનાવના નજીકની લોટસ હોસ્પિટલના અને ડો.આંબેડકર હોલના સીસીટીવી કેમેરાના ફૂટેજ મળી આવ્યા હતા.
મહાત્મા ગાંધી સોસાયટીના યુનુસ કરીમભાઇ પીપરવાડિયાની હત્યાના બનાવને નજરે જોનાર ઇકબાલ અઝીઝભાઇ પીપરવાડિયાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસના તત્કાલિન ઇન્ચાર્જ PI અને તપાસનીશ અધિકારી બી.ટી. ગોહિલ, રાઈટર નિલેશભાઈ સહિતનાએ ધરપકડ કરી કોર્ટની સૂચનાથી આરોપીને જેલ હવાલે કર્યો હતો.
પકડાયા બાદ આરોપી આજ સુધી જેલમાં છે
આરોપી ત્યારથી જ જેલમાં હતો. પોલીસ દ્વારા તપાસના અંતે આરોપી સામે ચાર્જશીટ મૂકવામાં આવ્યું હતું.
કેસ ચાલતા સરકારી વકીલ બિનલબેને ઇલેક્ટ્રોનિક પૂરાવા એટલે કે સીસીટીવી, સાક્ષીઓ, નજરે જોનાર સાક્ષીઓની જુબાની અંગે ધારદાર દલિલ કરી,
હકિકત રેકર્ડ ઉપર હોય જેથી આરોપીને તકસીરવાન ઠેરવી સખતમાં સખત સજા કરવા રજૂઆત કરી હતી.
જે ધ્યાને લઇ એડિશનલ સેશન્સ ન્યાયમૂર્તિ બી.ડી. પટેલે આરોપી ફારુક રજાકભાઈ જામનગરીને IPC 302 હેઠળ તકસીરવાર ઠરાવીને સખત આજીવન કેદ અને રૂ.1 લાખનો દંડ, દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદ તેમજ કલમ 135 મુજબ 4 માસની કેદ અને રૂ. 1 હજારનો દંડ ફટકાર્યો હતો.
